બોરસદઃ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ગામે 'ધીરસિંહજી છત્રસિંહજી પરમાર વિદ્યાભવન'નું મોરારિબાપુના હસ્તે ૧૪મી ડિસેમ્બરે ઉદ્દઘાટન થયું હતું. જેમાં પ્રવચન દરમિયાન મોરારિબાપુએ અમદાવાદ ખાતે અગાઉ યોજાયેલી કથાનો પ્રસંગ વર્ણવીને નોટબંધી મામલે ટિપ્પણી કરી હતી. મોરારિબાપુએ કહ્યું કે, મેં એક કથામાં કહ્યું હતું કે હું તો બાવો છું. આ સમયે નરેન્દ્રભાઈ મોડી ત્યાં હાજર હતા. તેમણે મારી સામે હાથ ઊંચો કરીને કહ્યું કે, હું પણ બાવો છું. એ પછી તેઓ વડા પ્રધાન બન્યા અને મેં વધામણી આપતાં તેમને કહ્યું કે, એક બાવાના એક બાવાને અભિનંદન. આ પ્રસંગો મેં મારા પ્રવચનમાં ટાંક્યા પછી એક શ્રોતાએ મને ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે, બાપુ તમે એક બાવા તરીકે એક બાવાને અભિનંદન આપ્યા. તે બધું તમારી વચ્ચે હતું, પણ આખા દેશને બાવો બનાવવાનું બાવાને કોણે કહ્યું હતું? જોકે, એ શ્રોતાને મેં જવાબમાં કીધું હતું કે, એ ભાઈ મારું ક્ષેત્ર નથી. મોરારિબાપુએ આ પ્રસંગો જ્યારે દહેવાણની સભામાં વર્ણવ્યા ત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
આ સભા પછી વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરારિબાપુએ કહ્યું હતું કે, હું જન્મજાત બાવો છું, પરંતુ જે બાવો નથી એણે બાવાની વાત કરી છે તો હવે આખા દેશની પ્રજાને બાવા બનાવો. નોટબંધી કોઈ અર્થ વગરનું પગલું હતું. નોટબંધીથી કાળુંનાણું બંધ થયું નથી. નથી બનાવટી નોટ બંધ થઈ. ભ્રષ્ટાચાર પણ બંધ નથી થયો. મોંઘવારી જરાય ઓછી નથી થઈ. આવી સરકાર હોય તોય શું? ન હોય તોય શું? પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ખોટા વાયદાની કોઇ ઉઘરાણી કરે તેનું ત્રાગું છે. રૂ. ૨૦૦૦ની નકલી નોટ બજારમાં ફરતી થઈ ગઈ છે એનું શું?

