‘વાઈબ્રન્ટ એટલે વિચાર અને જ્ઞાન વહેંચણીનો મંચ’

Wednesday 21st December 2016 07:44 EST
 
 

ગાંધીનગરઃ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩માં શરૂ કરાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૮મી સિરીઝ ૧૦થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ વખતની સમિટ અત્યાર સુધીમાં થયેલી સાત સમિટની સરખામણીએ સૌથી વધારે ભવ્ય હશે એમ રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું છે. પત્રકાર પરિષદમાં વાઈબ્રન્ટ અંગેની જાણકારી આપતાં જે. એન. સિંઘે જણાવ્યું હતું કે, ૨૦૦૩માં જ્યારે વાઈબ્રન્ટ સમિટ કાર્યક્રમ શરૂ થયો ત્યારે તેનો ઉદ્દેશ પ્રાદેશિક રોકાણ મેળવવાનો હતો, પરંતુ હવે વાઈબ્રન્ટ સમિટ ફક્ત મૂડી રોકાણ પૂરતું સીમિત ન રહેતા નવા આઈડિયા, નોલેજ શેરિંગ, નેટવર્કિંગ, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વગેરે જેવી બાબતો માટેના વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સૌથી મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઈવેન્ટ બની છે.
મોદીના હસ્તે ઉદઘાટન
મોદી ૧૦ જાન્યુઆરીએ બપોરે વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે અને ૯ જાન્યુઆરીના રોજ ચાર ઈવેન્ટમાં ભાગ લેશે. જેમાં ગિફ્ટ સિટી ખાતે બીએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન, ગાંધીનગર રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનો કાર્યક્રમ છે.
સફેદ રણમાં ટુરિઝમ મિટ
સમિટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૨૦મીથી ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૭ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત તમામ ૩૬ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિ અને રમતગમત પ્રધાન તથા આ ત્રણ વિભાગના સચિવોની ટુરિઝમ મિટ પણ ધોરડોમાં યોજાશે. તેની રૂપરેખા ઘડવા તાજેતરમાં પ્રવાસન સચિવ હૈદરઅલીએે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ મિટમાં અંદાજે ૭૦૦થી ૭૫૦ વીવીઆઈપીઓ કચ્છના મહેમાન બનશે.
ગત વર્ષે ધોરડો ખાતે દેશના તમામ રાજ્યોના પોલીસવડાઓની મિટ યોજ્યા બાદ આવતા વર્ષના પ્રથમ માસની ૨૦ ૨૧ ૨૨મી તારીખે દેશના તમામ રાજ્યોના પ્રવાનસ સાંસ્કૃતિક અને રમતગમત પ્રધાન તથા તેમના સેક્રેટરીઝની ટુરિઝમ મિટ ધોરડો ખાતે યોજાઈ રહી છે. જે અંગે વાઈબ્રન્ટ સમિટની ટીમ દ્વારા જ તડામાર તૈયારી શરૂ થયાના અહેવાલ છે.
સરકારી કર્મીઓનો બહિષ્કાર
રાજ્યના સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતા કર્મચારી સંકલન સમિતિ દ્વારા વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમોના બહિષ્કારનું એલાન કરાયું છે. સમિટનો પ્રારંભ થવાનો છે તે જ દિવસે ૧૦મી જાન્યુઆરીએ સરકારી કર્મીઓ એક દિવસના પ્રતીક ધરણા કરશે. કર્મચારીઓ દ્વારા બોર્ડ-નિગમ, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના કર્મીઓ, રોજમદારોને સાતમા પગાર પંચનો લાભ આપવો. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવી. આઉટ સોર્સિંગ બંધ કરવું અને છઠ્ઠા પગાર પંચના બાકી પ્રશ્નોનો ઉકેલ લાવવા સહિતના પ્રશ્નોનો ૯ જાન્યુઆરી સુધીમાં ઉકેલ લાવવા અલ્ટીમેટમ અપાયું છે.

•••

ક્યા નોબેલ વિજેતા વિજ્ઞાનીઓની હાજરી આપશે?
દુનિયાભરમાંથી ૮ નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે. સાયન્સ સિટીમાં ૫ અઠવાડિયા સુધી નોબેલ લોરેટ એક્ઝિબિશન થશે. નોબેલ ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર વચ્ચે આ અંગે MOU પણ થયા છે. વૈજ્ઞાનિકોઃ ડો. એડા યોનાક (કેમિસ્ટ્રી)
• ડો. વેંકટ રામાક્રિષ્નન (કેમિસ્ટ્રી) • ડો. ડેવિડ ગ્રોસ (ફિઝિક્સ) • ડો. હેરોલ્ડ વારમથ (ફિઝિ.મેડિસિન) • ડો. રેન્ડી સેકમેન (ફિઝિ.મેડિસિન) • ડો. રિચર્ડ રોબર્ટસ (ફિઝિ.મેડિસિન)
• ડો. સર્જેઈ હેરોસી (ફિઝિક્સ) • ડો. વિલીયમ ઈ. મુરનર (કેમિસ્ટ્રી) ઉપરાંત ડો. સ્ટિવ ચુ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહીં રહે.

•••


comments powered by Disqus