અબુધાબીના શેખ પરિવારે મોરારિબાપુને કહ્યુંઃ આ શાંતિ રામકથાના કારણે છે

Wednesday 21st September 2016 08:14 EDT
 
 

અમદાવાદઃ ‘મને તો અંગ્રેજી ભાષા બહુ આવડે નહિ, પરંતુ મેં આ પરિવારજનો સમક્ષ મારો ભાવ વ્યક્ત કર્યો હતો. મેં એમને કહ્યું હતું કે ‘I feel very peaceful atmosphere here!’ (મને અહીં બહુ શાંત વાતાવરણનો અનુભવ થાય છે!) મારું આ વાક્ય પૂરું થાય એ પહેલાં જ એ પરિવારના સભ્યોનો પ્રત્યુત્તર હતો ‘because of ramkatha is here.’ (કારણ કે રામકથા અહીં છે.) સાહેબ, આ છે મોટા માણસોનું આભિજાત્ય. ભાષા ન સમજાતી હોવા છતાં પ્રથમ દિવસની કથાના પૂરા સમય દરમિયાન શાહી-શેખ પરિવારે કથામાં ઉપસ્થિત રહી એમની શાલીનતા, સહજતા, સરળતા અને સંસ્કારિતાનો સૌને પરિચય આપ્યો’. આ શબ્દો છે જાણીતા કથાકાર પૂજ્ય મોરારિબાપુના જેઓની રામકથા અત્યારે યુનાઇટેડ સ્ટેટ ઓફ એમિરેટ્સ (યુએઇ)ના અબુધાબી ખાતે ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થઇ છે, જે ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
જયદેવભાઇ માંકડે જણાવ્યું કે પૂ. મોરારિબાપુની ૭૮૦મી રામકથાનો ૧૭મી સપ્ટેમ્બરથી અરબી દેશ, યુએઇના અબુધાબી ખાતે ‘માનસ-કિષ્કિન્ધાકાંડ’નો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ સમયે અબુધાબીના શાહી-શેખ પરિવારના ત્રણ વરિષ્ઠ પરિવારજનો સ્વાગતના ભાગરૂપે એમની કારમાં બાપુને કથા સ્થળે લાવ્યા હતા. બાપુએ કથાના પ્રારંભમાં શાહી પરિવાર સાથે કારમાં થયેલી ઉપરોક્ત વાત શ્રોતાઓ સાથે વહેંચી હતી.


comments powered by Disqus