ગુજરાતની ૬ બોટ અને ૩૬ માછીમારોનું પાક. દ્વારા અપહરણ

Wednesday 21st September 2016 06:25 EDT
 
 

પોરબંદરઃ પાકિસ્તાનની મરિન સિકયુરિટી દ્વારા ભારતીય જળસીમામાંથી ૬ બોટ સાથે ૩૬ માછીમારોનું અપહરણ કરાયું છે. ૧૫મી ઓગસ્ટથી માછીમારોની નવી સિઝન શરૂ થઇ છે ત્યારબાદ માછીમારોનાં અપહરણની આ બીજી ઘટના છે. થોડા દિવસ પહેલાં જ પાક. મરિને માંગરોળની ૧ બોટ અને ૬ માછીમારોના અપહરણ કર્યા હતાં.
ભારતીય દરિયાઇ સીમા નજીકથી પાક. મરિન સિકયુરિટી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવે છે અને માછીમારોને પાકની વિવિધ જેલમાં કેદ કરી રાખવામાં આવે છે અને ઘણા લાંબા સમય સુધી મુકત કરવામાં આવતા નથી. આ સાથે લાખોની કિંમતની બોટ પણ વિવિધ બંદરોએ ખડકી દેવામાં આવે છે. બોટોનાં વારંવાર થતાં અપહરણથી બોટ માલિકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
૧૪ સપ્ટેમ્બરેે વહેલી સવારે સૌરાષ્ટ્રનાં વિવિધ બંદરોની ૬ જેટલી બોટો આઇએમબીએલ નજીક માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક પાક મરિન દ્વારા તમામ બોટોને ઘેરી લેવામાં આવી હતી અને તમામને બંધૂકો અને રાઇફલો બતાવી શરણે થઇ જવા કહ્યું હતું. આથી માછીમારોમાં ગભરાટ ફેલાયો હતો અને તમામ ૬ જેટલી બોટો અને બોટોમાં રહેલા ૩૬ જેટલા ખલાસીઓના અપહરણ કરી અને કરાચી તરફ લઇ જવાયા છે. અપહરણ થયેલી બોટોનાં નામ હજુ સુધી જાણી શકાયાં નથી.


comments powered by Disqus