ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ મોકલવામાં આવેલા એક ગુપ્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ બહુમતી મેળવી જશે. જોકે, કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહેશે.
આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા એક ગુપ્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. રાજ્યમાં પક્ષની સ્થિતિ કેટલી મજબૂત છે તે જાણવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, ભાજપની ૧૮૨ વિધાનસભા પૈકી ૫૭ બેઠકો મળી શકે છે. સર્વેનો અહેવાલ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દેવામાં આવ્યા છે. અલબત્ત, આ રિપોર્ટ અનુસાર કોંગ્રેસનો દેખાવ સુધરશે. તેને ૮૫ બેઠકો મળી શકે છે. આ સર્વે પ્રોફેશનલ એજન્સી દ્વારા કરાવવામાં આવ્યો હતો.
એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૮૨ વિધાનસભા પૈકી ભાજપની ૫૨ બેઠકો (શહેરી વિસ્તાર) પર જીતવાની તકો ૧૦૦ ટકા રહેલી છે. જ્યારે ૪૫ બેઠક પર ભાજપની જીતવાની તકો ૮૦થી ૮૫ ટકા છે. એટલે કુલ, ૯૭ બેઠક પર ભાજપની સ્થિતિ હજુ પણ સારી છે. જો ભાજપ આ બેઠક ઉપરાંત તમામા બેઠક ઉપર હારી પણ જાય તો ભાજપ બહુમતીની સાથે સરકાર બનાવવામાં સફળ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું
છે કે, જો કોંગ્રેસ બાકીની ૮૫ બેઠક જીતી જાય છે તો પણ સરકાર બનાવવામાં સફળ રહેશે નહીં.

