લંડનમાં બળદિયા લેવા પટેલ સર્વોદળ (યુકે)નું સ્નેહમિલન યોજાયું

Wednesday 21st September 2016 09:14 EDT
 
 

લંડનમાં બળદિયા લેવા પટેલ સર્વોદળ યુ.કે. દ્વારા ગત ૧૧ સપ્ટેમ્બરે હેરો લેઝર સેન્ટર ખાતે વાર્ષિકમિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શરૂઆતમાં જનરલ મીટીંગ, સમુહ ભોજન અને બપોરે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમનો સાતથી સિતેરવર્ષની વય જૂથના ૧૫૦૦થી ૧૭૦૦ બળદિયાવાસીઓએ આનંદ માણ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૫૦ કે તેથી મોટી વયની બહેનોએ ભાગ લીધો હતો. તેમના કાંબી, કડલાં, હાયડો, વેલો જેવા દાગીનાએ આકર્ષણ જમાવ્યુ હતું. તેમણે આજથી ૧૦૦ વર્ષ પહેલાની કચ્છી પટેલોની રહેણી કરણી, પહેરવેશ રજૂ કરીને જૂની યાદો તાજી કરી હતી. પરંપરાગત કણબી સાડલામાં સજ્જ કચ્છી બહેનો, કૂવો સીંચતી, ઘંટી દળતી બહેનો, બ્રિટનની પાશ્ચાત્ય ધરતી પર રોટલા ઘડતી બહેનો, વહેલી સવારે છાશ વલોવતી મહિલા, ખેતર સીમે ભત્તાર પહોંચાડવા જતી પાણીદાર પટલાણીના દ્રશ્યો મહિલાઓએ રજૂ કર્યા હતા. એક પછી એક રજૂઆતોએ કામણ પાથર્યાં હતાં
જ્યારે કઠણકાળ હતો ત્યારે જે વડીલોએ ભારતીય સંસ્કાર, સનાતન, સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો જાળવીને નવી પેઢીને આપ્યા તેને સૌએ સંભાર્યા હતા. હેરો લેઝર સેન્ટરમાં આખો દિવસ આયોજનના માધ્યમથી ગ્રામવાસીઓ એકબીજાને મળ્યાનો આનંદ માણ્યો હતો. પ્રારંભમાં ભગવાનની સમૂહ આરતી બાદ સામાન્ય બેઠક યોજાઈ હતી.
કાર્યક્રમનું સંચાલન કરતા બળદિયા લેવા પટેલ સર્વોદળના પ્રમુખ વી. એમ. હીરાણીએ સંસ્થાની વિગતો આપીને વર્ષોથી સહયોગી થતા દાતાઓ, કાર્યકર ભાઈઓ-બહેનો તથા ખાસ યુવક-યુવતીઓનો આભાર માન્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન વડીલ દાતા કે. કે. જેસાણી, વાલજી દેવશી રાબડિયા તથા અશોક વેલજી વેકરિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટીના પ્રમુખ માવજી ધનજી વેકરિયા, મંત્રી સૂર્યકાન્ત વરસાણી અને ઉપપ્રમુખ વેલજીભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી રાખવાના ઉદ્દેશથી ૪૬ વર્ષ પહેલા સ્થાપાયેલી આ સંસ્થા દ્વારા દર વર્ષે ફન એન્ડ સ્પોર્ટ્સ ડે, બાળકો માટે મનોરંજનનો કાર્યક્રમ તથા દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે.


comments powered by Disqus