સુરતમાં રૂ. ૭૦૦ કરોડનું કાળું નાણું જાહેરઃ બાદશાહ ગ્રૂપના જ રૂ. ૯૨ કરોડ

Wednesday 21st September 2016 06:27 EDT
 
 

સુરતઃ શહેરમાં ‘વરાછાના બાદશાહ’ આવકવેરા વિભાગની ઈન્કમ ડેકલરેશન સ્કીમ (આઇડીએસ)માં ૧૨૫ કરોડ જાહેર કરે એવી ચર્ચા છેલ્લાં કેટલાંય દિવસથી ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે. લવજી બાદશાહ અને જ્યંતિ એકલેરા તથા તેમના ભાગીદારો દ્વારા સોમવારે રૂપિયા ૯૨ કરોડનું કાળું નાણું આવકવેરા વિભાગ સમક્ષ આઈડીએસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી એકાદ-બે દિવસમાં હજુ ૪૦ કરોડ રૂપિયાથી વધુના પેપરનું સબમિશન આ ગ્રૂપ દ્વારા કરવામાં આવનાર હોય ડેકલરેશનનો કુલ આંક ૧૩૫ કરોડ પર પહોંચશે એવી સંભાવના છે. ગયા અઠવાડિયે મનહર કાકડીયા અને ગોપાલ ડોકાનીયાના બિલ્ડર ગ્રુપ આશીર્વાદ, વેસ્ટર્ન દ્વારા રૂ. ૧૫૨ કરોડનું બ્લેકમની આઈડીએસમાં જાહેર કરાયું ત્યાર બાદ સુરતમાં આ બીજી મોટી કબૂલાત છે. લવજી બાદશાહ અને તેમના ભાગીદાર જ્યંતી એકલેરા અંજની, અવધ ઉપરાંત કેટલીક પેઢીઓમાં ભાગીદારી ધરાવે છે.
તમામ પેઢી તથા ભાગીદારોના વ્યક્તિગત એમ આજે કુલ ૯૨ કરોડના પેપર્સ આઈડીએસ હેઠળ આઈટીમાં સબમીટ કરાયા હતા. જેમાં લવજી બાદશાહ દ્વારા વ્યક્તિગત ૧૫.૭૫ કરોડ, જ્યંતિ એકલેરા દ્વારા વ્યક્તિગત ૭.૭૫ કરોડની કબૂલાત કરાઈ છે.
ગયા સપ્તાહે મનહર કાકડીયા અને ગોપાલ ડોકાનીયા ગ્રુપ દ્વારા ૧૫૨ કરોડની કબૂલાત બાદ સોમવારે લવજી બાદશાહના ગ્રુપ તરફથી ૯૨ કરોડની જાહેરાત કરાતા એક જ અઠવાડિયામાં સુરત શહેરે આઈડીએસ હેઠળ ૨૫૦ કરોડનો હનુમાન કૂદકો માર્યો છે. વળી, નાના કરચોરો દ્વારા રોજ આઈટીમાં કરોડો રૂપિયાના ડેકલરેશન થઈ રહ્યાં છે. આમ, અત્યારે સુરત રૂપિયા ૭૦૦ કરોડથી વધુના કલેકશન સાથે ગુજરાતમાં સૌથી આગળ પહોંચી ગયું છે. અત્યારે કલેકશનમાં સીઆઈટી-૩ સૌથી આગળ છે. રૂ. ૩૦૦ કરોડથી વધુનું ડેકલરેશન આ સર્કલમાં થયું છે.


comments powered by Disqus