અમદાવાદઃ અમેરિકાના જ્યોર્જિયા શહેરમાં વધુ એક ગુજરાતી યુવકની લૂંટના ઈરાદે હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. આ વખતે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારનો યુવાન હુમલાખોરની ગોળીનું નિશાન બન્યો છે. લૂંટના ઇરાદે આવેલા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું જેમાં ૩૮ વર્ષના પ્રકાશ રતિલાલ પટેલે જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં ગુજરાતી પર હુમલાની નવમી ઘટના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૧૭ જૂને સવારે પ્રકાશભાઇ સ્ટોર પર પહોંચતા જ લૂંટના ઇરાદે આવેલા હુમલાખોરોએ સ્ટોરના કાઉન્ટર પર ચઢી જઇને પ્રકાશ પટેલની છાતીમાં ગોળી મારી દીધી હતી. પ્રકાશ પટેલના પિતા રતિભાઈ પટેલ ઘાટલોડિયાના અર્જુન એપાર્ટમેન્ટમાં રહે છે. તેમણે કહ્યું હતું કે મારો દીકરો ૨૦૦૮માં જ્યોર્જિયા ગયો હતો. પ્રકાશ સાથે કામ કરતા શૈલેષ પટેલે ૧૮ જૂને બપોરે બે વાગે મને ફોન કરી જણાવ્યું હતું કે, પ્રકાશને ગોળી મારવામાં આવી છે.
૩૮ વર્ષના પ્રકાશભાઇ તેમના પત્ની બિંદુબહેન અને ૧૩ વર્ષની પુત્રી સૃષ્ટિ તથા પાંચ વર્ષના શિવ સાથે જ્યોર્જિયામાં રહેતા હતા. રતિભાઇના જણાવ્યા પ્રમાણે ‘દીકરા પ્રકાશ સાથે બે દિવસ પહેલા જ વાત થઈ હતી. મને ક્યાં ખબર હતી કે મારા દીકરા આ સાથે છેલ્લી વાતચીત હશે. મારી પુત્રવધૂ બિંદુ તો આઘાતમાં જ સરી પડી છે. જેથી મારે તેની જોડે વાત પણ થઈ શકી નથી. અમેરિકામાં મારી પુત્રવધૂ અને પ્રકાશનાં બન્ને સંતાન અત્યારે એકલા છે, તેમને સહારો આપવા પણ હું જઈ નથી શકતો.’

