નવી દિલ્હીઃ દુનિયાનું એકમાત્ર સંસ્કૃત દૈનિક ‘સુધર્મા’ એક મહિના પછી તેની સ્થાપનાના ૪૬ વર્ષ પૂરાં કરશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે હાલ આ દૈનિકની સ્થિતિ એવી કંગાળ છે કે કદાચ ૪૬ વર્ષ પૂરાં કરવા પણ મુશ્કેલ છે. સંસ્કૃતના વિદ્વાન કલાલેવર દરાજ આયંગરે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને તેના પ્રચાર અને પ્રસાર માટે ૧૫ જુલાઈ, ૧૯૭૦ના રોજ આ અખબારનો પ્રારંભ કર્યો હતો.
આયંગરના પુત્ર ને સુધર્માના સંપાદક કે. વી. સંપત કુમારે જણાવ્યું હતું કે, અખબારનું પ્રકાશન ચાલુ રાખવું ઘણું સંઘર્ષપૂર્ણ થઈ ગયું છે. અખબારને ચાલુ રાખવા માટે લોકોને આર્થિક સહાય માટે અપીલ કરવામાં આવી છે. જો આ સ્થિતિ ચાલુ જ રહેશે તો તેનું પ્રકાશન ટૂંક સમયમાં બંધ કરવું પડે તેવી સંભાવના છે.
રાજનીતિ, યોગ, વૈદ અને સંસ્કૃત સહિત અન્ય અહેવાલો આપતા એક પાનાના આ દૈનિક અખબારની રોજની ૩૦૦૦ નકલો છપાય છે. આ અખબારને કેરળ, આસામ, કર્ણાક, કાશ્મીર, તામિલનાડુના પુસ્તકાલયોમાં સ્થાન મળ્યું છે.

