ગુલબર્ગ હત્યાકાંડઃ ૧૧ને આજીવન કેદ

Wednesday 22nd June 2016 09:17 EDT
 
 

અમદાવાદઃ ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણોમાં બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે ૧૭ જૂને આખરી ચુકાદો ફરમાવતા ૨૪માંથી ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. જ્યારે બાકી ૧૩માંથી એક માંગીલાલ જૈનને ૧૦ વર્ષની, ૧૧ દોષિતોને સાત વર્ષની અને એકને એક વર્ષ કેદની સજા ફરમાવી હતી. ડેઝિગ્નેટેડ કોર્ટના જજ પી. બી. દેસાઈએ જે ૧૧ આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે તે તમામ સામે હત્યાનો ગુનો પુરવાર થયો હતો.
ગુલબર્ગ સોસાયટીમાં ટોળાએ કરેલા હુમલામાં પૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯નાં મૃત્યુ થયાં હતાં. કોર્ટે અગાઉ બીજી જૂને આ કેસનો ચુકાદો આપતાં ૨૪ આરોપીઓને કસૂરવાર અને ૩૬ને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો હતો. જોકે આ ચુકાદા બાદ સજાની સુનાવણી અને હુકમ માટે ચાર વખત મુદત પડ્યા બાદ ૧૭ જૂને આખરી હુકમ કરાયો હતો. શુક્રવારે જજે માત્ર માત્ર ૧૬ મિનિટમાં ૧૩૪૨ પાનાંના ચુકાદાનો સાર તમામ પક્ષકારોને જણાવ્યો હતો.
હત્યાકાંડ પૂર્વયોજિત કાવતરાનું પરિણામ હોવાની પ્રોસિક્યુશનની રજૂઆત ફગાવતા તેમણે કહ્યું કે, ‘ગુલબર્ગની ઘટનાનો દિવસ સમાજ માટે સૌથી કલંકિત દિવસોમાંનો એક હતો. અત્યંત કમનસીબ ઘટના હતી, પરંતુ તે પૂર્વયોજિત કાવતરાનું પરિણામ નહોતી.’
ચુકાદો જાહેર કરતાં પહેલાં કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ તરફથી આરોપીઓને ફાંસીની સજા કરવાની દાદને ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. બંધારણના કાયદા અનુસાર આ કેસમાં ફાંસીની સજા કેમ આપવામાં આવી નથી તે મુદ્દે કોર્ટે એવું અવલોકન કર્યું છે કે, જ્યારે આરોપી સમાજમાં દૂષણરૂપ અને જોખમરૂપ હોય તેવા સંજોગોમાં જ ફાંસી સજા આપી શકાય. પ્રસ્તુત કેસમાં આરોપીઓ પ્રત્યે આવી ધારણા બાંધી શક્યા તેમ નથી.
જજ પી. બી. દેસાઇએ કહ્યું હતું કે ૯૦ ટકા આરોપી જ્યારે જામીનમુક્ત હતા ત્યારે તેમની સામે પીડિતોએ કે સાક્ષીઓએ ધાકધમકીની ફરિયાદ કરી ન હતી. તે દરમિયાન કોઈ તણાવ પણ સર્જાયો નહોતો. આ લોકો સમાજ માટે જોખમ નથી. સંભવ છે કે તેમને પસ્તાવો પણ હોય. તેમને સુધરવાની એક તક મળવી જોઈએ તેથી ૧૧ દોષીઓને ફાંસીને બદલે આજીવન કેદની સજા આપી રહ્યો છું.
જાફરીના ફાયરિંગ પછી હિંસા
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ગુજરાત બંધના એલાનના દિવસે સવારથી ટોળું એ વિસ્તારની દુકાનો-શાળા બંધ કરાવી રહ્યું હતું. બપોરે દોઢ વાગ્યે અહેસાન જાફરીએ ટોળા પર ફાયરિંગ કરતાં એકનું મોત થયું હતું અને ટોળું ઉશ્કેરાયું હતું. ત્યાર પછી ટોળું સોસાયટીની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. પરિણામે જઘન્ય ઘટના બની હતી.
મહિલાઓનું હૈયાફાટ રુદન
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં દોષિત ૧૧ આરોપીને આજીવન કેદ સહિત અન્ય દોષિતોને સજાનો ચુકાદો જેવો જાહેર થયો કે, કોર્ટ કંપાઉન્ડમાં હાજર દોષિતોના પરિવારજનોમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. હૈયાફાટ રુદનથી કોર્ટ સંકુલના વાતાવરણમાં એકાએક ગમગીની સાથે સોંપો પડી ગયો હતો. ચોધાર આંસુઓ સાથે મહિલાઓએ સરકાર સામે હૈયાવરાળ ઠાલવીને છાજિયાં લીધાં હતાં.
સુપ્રીમ સુધી લડશુંઃ ‘સીટ’
ગુલબર્ગકાંડમાં સ્પેશ્યલ કોર્ટે આપેલા ચુકાદા અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’)ના વડા આર. કે. રાઘવને જણાવ્યું હતું કે ચુકાદાથી અમે સંતુષ્ટ નથી. ‘સીટ’ પાસે આરોપીઓ વિરુદ્ધ મજબૂત પૂરતા પૂરાવા છે. આરોપીઓને વધુ સજા થાય તે માટે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવશે અમારી પાસે તમામ રસ્તા છે. ‘સીટ’ કેસના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગળ વધશે.
‘હત્યાકાંડ મેં જોયો, કોર્ટે નહીં’
ગુલબર્ગ કેસના સજાના ફેંસલા સંદર્ભે અહેસાન જાફરીના વિધવા જાકિયા જાફરીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘હું આ ચુકાદથી સંતુષ્ટ નથી. કોર્ટે આ તો અડધી જ સજા સંભળાવી છે. હત્યાકાંડ મેં જોયો હતો, કોર્ટે નહીં. તમામને આજીવન કેદ થાય તે માટે આગળ લડીશ. મારી લડાઈ પુરી થઈ નથી. નિર્દોષ છુટેલાને પણ સજા થવી જોઈએ.’
તેમણે કહ્યું હતું કે મારા પુત્ર અને વકીલોની સલાહ બાદ કાયદાકીય લડાઈ અંગે આગળની નીતિ નક્કી કરીશું.
તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, ૬૯ લોકોનાં મોત માટે માત્ર ૨૪ કઈ રીતે જવાબદાર હોઈ શકે?
હવે શું? બધા હાઇ કોર્ટમાં જશે
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા ગુલબર્ગ સ્પેશિયલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો તે પછી અસંતોષ વ્યક્ત કર્યો હતો. ફરિયાદ પક્ષ, સરકાર પક્ષ અને બચાવ પક્ષે ચુકાદાથી અસંતોષ વ્યક્તિ કરતા હાઇ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે.
ફરિયાદ પક્ષે ન્યાય નહીં મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે આરોપીઓને ફાંસી સજા માટે હાઇ કોર્ટમાં જવા નિર્ણય લીધો છે.
જ્યારે સરકારે તરફે ‘સીટ’ દ્વારા પણ આરોપીઓને કડક સજાની અપીલ કરવામાં આવશે. જ્યારે ત્રીજા પક્ષે પીડિતોમાં ચુકાદાથી ભારે નિરાશા જોવા મળી હતી. પીડિતોએ કહ્યું હતું કે અમારા સ્વજનોને ન્યાય નથી મળ્યો. અમે તમામ નિર્દોષ છૂટી ગયેલાઓને સજા થાય તે માટે હાઇ કોર્ટમાં અપીલ કરીશું.
ભાજપ-કોંગ્રેસની રાજરમત
ગુલબર્ગકાંડમાં સજા પામેલા કેદીઓ અને તેમનાં સગાઓએ કોર્ટમાં હાજર રહેલાં વિશ્વ હિંદુ પરિષદના નેતાઓને બે હાથ જોડીને આજીજી કરી હતી કે, તમે રાજકીય પક્ષો જેવું ન કરતાં, મદદ કરજો, અમારા ઘર વેચાય નહીં તેનું ધ્યાન આપજો અને કુટુંબનું ધ્યાન રાખજો. જ્યારે રાજકીય પક્ષોએ ગુલબર્ગમાં સજા પામેલાં લોકોના નામે રાજકીય રોટલા શેકવાની ગુસ્તાખી કરવાનું છોડ્યું નહોતું.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો તમામ લોકોએ સ્વીકારવાનો છે. કોંગ્રેસ વારંવાર ભાજપ અને આરએસએસની સામે આક્ષેપો કરીને પોતાની રાજકીય અને કાયદાકીય નાદારી જાહેર કરે છે.
કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસ ધર્મના કોમી દંગલો કરાવે છે, પણ તેઓ ભોગ બનેલાઓની મદદે કે બચાવમાં કોઈ આવતાં નથી. તેઓ છટકી જાય છે.
રાજ્ય સરકારના પ્રવક્તા વરિષ્ઠ પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુલબર્ગને કાવતરું ગણવા માટે અગાઉ કોંગ્રેસે નિવેદનો કર્યા જેથી ટોચના નેતાઓ તેમાં સામેલ કરી શકાય, પરંતુ કોર્ટે તેને કાવતરું ગણાવ્યું નથી. તેથી કોંગ્રેસની મુરાદ બર આવી નથી.
કોમી રમખાણોના આઠ કેસ, ૧૩૭ને જન્મટીપ
• ગોધરાકાંડ ૫૭ મોત, ૯૪ આરોપી, ૧૧ ફાંસી, ૨૦ જન્મટીપ, ૬૩ નિર્દોષ • ગુલબર્ગકાંડ ૬૯ મોત, ૬૦ આરોપી, ૧૧ જન્મટીપ, ૧૩ને અન્ય સજા, ૩૬ નિર્દોષ • નરોડા પાટિયા ૯૭ મોત, ૬૧ આરોપી, ૩૨ને જુદી જુદી સજા, ૨૯ નિર્દોષ • વિસનગર દીપડા દરવાજા ૧૧ મોત, ૮૪ આરોપી, ૨૧ જન્મટીપ, ૬૨ નિર્દોષ • મહેસાણા સરદારપુરા ૩૧ મોત, ૭૨ આરોપી, ૩૩ને જન્મટીપ, ૩૯ નિર્દોષ • આણંદ ઓડ ૨૩ મોત, ૪૬ આરોપી, ૨૩ને જુદી જુદી સજા, ૨૩ નિર્દોષ • હિંમતનગર ૪ બ્રિટિશ નાગરિકોની હત્યા ૬ આરોપીનો નિર્દોષ છૂટકારો • નરોડા ગામ ૧૧ મોત, ૮૬ આરોપી, કેસ આખરી તબક્કામાં.


comments powered by Disqus