લંડનઃ મહાનગરમાં આવેલા લંડન ઝૂના સંચાલકોએ મુલાકાતીઓને ગીરના સિંહો, ગીરની સંસ્કૃતિ, ગીરના જંગલ અને ગીરના માહોલનો અનુભવ કરાવવા પ્રાણી સંગ્રહાલયમાં જ સાસણ ગીરનું મીની જંગલ સાકાર કર્યું છે. ૨૭ હજાર ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ‘જંગલ’ ખરેખર તો ચાર એશિયાટિક સાવજોને રાખવાનું એન્ક્લોઝર છે.
૧૭ માર્ચે નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીય અને ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપે ‘લેન્ડસ ઓફ ધ લાયન્સ’ નામના આ એન્ક્લોઝરનું લોકાર્પણ કર્યું હતું. ૨૫ તારીખથી સહેલાણીઓ તેની મુલાકાત લઈને લંડનમાં રહીને સાસણ ગીરનો માહોલ માણી શકશે. આ એન્ક્લોઝરમાં ગુજરાતની શાન એવા ગીરનો એક સિંહ અને ત્રણ સિંહણ રખાયા છે.
ગીરના જંગલોમાં જે રીતે સાવજો ખુલ્લામાં ફરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને જ આ એન્ક્લોઝર તૈયાર કરાયું છે, જેમાં ઝૂના મુલાકાતીઓ ગીરના સિંહોને મુક્ત રીતે હરતા-ફરતા જોઇ શકશે.
ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન (ઝેડએસએલ)ના ડિરેક્ટર પ્રો. ડેવિડ ફિલ્ડે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રેસિડેન્ટ તેમનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ ક્વીન એલિઝાબેથનું ધ્યાન સિંહોની ગર્જના તરફ જ હતું. સિંહો શું કરે છે તે જોવા તેમણે એ તરફ નજર પણ કરી હતી. ફિલ્ડે ઉમેર્યું હતું કે નવા એન્ક્લોઝરની આ જ તો મજા છે. અહીં તમને ખબર જ નથી પડતી કે તમે સિંહથી કેટલા નજીક છો.
ચાર દસકા બાદ...
ક્વીને ૪૦ વર્ષ પૂર્વે ૧૯૭૬માં આ ઝૂની મુલાકાત લીધી હતી અને ન્યૂ લાયન ટેરેસનું ઉદઘાટન કર્યું હતું. તે વખતે ઝૂમાં રુચિ નામની ગીરની સિંહણ હતી અને હાલમાં તે સિંહણની બે પૌત્રીઓ લંડન ઝૂમાં છે. ક્વીન અને પ્રિન્સની આ મુલાકાત વેળા તેમને ૧૯૭૬ની ઝૂની મુલાકાત દરમિયાન ઝડપાયેલી કેટલીક તસવીરો ભેટ અપાઇ હતી.
સાસણ ગીર જેવો જ માહોલ
સમગ્ર વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં જોવા મળતા એશિયાઈ સિંહોની પ્રજાતિ ખતરામાં છે. સિંહોની વસતી ૫૦૦ જેટલી જ છે. તેમનું સંવર્ધન થાય અને લોકોમાં એ અંગે જાગૃતિ ફેલાય એટલા
માટે લંડન ઝૂએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલા પ્રોજેક્ટ પાછળ ઝૂએ બાવન લાખ પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા ૫૦ કરોડનો ખર્ચ કર્યો છે. ગીરના સાવજોને તેમના વતન જેવો જ માહોલ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
લંડન ઝૂનું કામ માત્ર પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવાનું નથી. લંડન ઝૂ વર્ષોથી લાયન બ્રિડિંગ પ્રોગ્રામ ચલાવે છે. એ પ્રોગ્રામ હેઠળ જ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે લંડન ઝૂના અધિકારીઓ ગુજરાત આવ્યા હતા. અહીંથી તેઓ રીક્ષા, ઝૂંપડી બનાવવાની સામગ્રી, સાયકલ, રેલવે પાટાની ડિઝાઈન વગેરે પોતાની સાથે લઈ ગયા હતાં, જે બધું લંડન ઝૂમાં સાકાર થયેલા ગીરના એન્ક્લોઝરમાં જોવા મળે છે. અહીં આવતા પ્રવાસીઓ ચાલીને આ જંગલમાં ફરી શકશે. એ માટે ત્રણ રસ્તા બનાવાયા છે.
સિંહ સાથે રાતવાસો
સિંહો સાથે રાતવાસો કરવો હોય તો સાસણ ગીરના જંગલમાં ઘણા ઠેકાણાં છે, પણ લંડનમાં ક્યાં જવું? એ સગવડ ઝૂમાં કરવામાં આવી છે. અહીં લાયન લેન્ડ વિભાગમાં જ કોટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં બુકિંગ કરીને રાતવાસો કરી શકાશે. જ્યાં સતત સિંહોની ત્રાડ ગુંજતી રહેશે. હાલ ત્યાં રહેવા માટેના પેકેજ ૩૮૭ પાઉન્ડથી શરૂ થાય છે. આ બધા કોટેજમાં ગીરના જંગલ જેવું લાગે એવી જ ડિઝાઈન કરવામાં આવી છે.
ભાનુ, રુબી, હૈદી, ઇન્ડી
ઝૂમાં રખાયેલો ભાનુ નામનો સિંહ ૬ વર્ષનો છે. એ મૂળ તો જર્મનીના મેગ્ડેબર્ગ સંગ્રહાલયમાંથી અહીં લાવવામાં આવ્યો છે. ત્રણ સિંહણ પૈકી રુબી નામની સિંહણ સૌથી મોટી છે. ૨૦૦૯માં તેનો જન્મ આ જ ઝૂમાં થયો હતો. જ્યારે હૈદી ઝૂમાં સૌથી વધુ ‘લાઉડી ગર્લ’ તરીકે જાણીતી છે. એ ૨૦૧૨માં જન્મી હતી. ઈન્ડી એ હૈદીની જુડવા બહેન છે અને સતત ઝઘડતી રહે છે. બન્ને સિંહણો સરખી જ લાગતી હોવાથી તેની ઓળખ માટે ઝૂ અધિકારીઓએ ઈન્ડીના ગળા પર નિશાન કર્યું છે
સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય
૧૮૨૮માં સ્થપાયેલું લંડન ઝૂ વૈજ્ઞાનિક રીતે બનેલું હોય તેવું વિશ્વનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. શરૂઆતમાં એ ઝૂ નહીં, પણ વૈજ્ઞાનિકો માટે પ્રાણી-પક્ષીઓના નમૂના એકઠા કરવાનું કેન્દ્ર હતું. ૧૮૪૭માં તેને જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે વિશ્વ વિખ્યાત આ ઝૂમાં જુદી જુદી ૭૫૦ પ્રજાતિના ૧૭ હજારથી વધુ સજીવો કલબલાટ કરે છે.

