લંડનઃ બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ લંડનમાં એક સાથે દસ સ્થળે આતંકવાદી હુમલો થવાની ચેતવણી આપી છે. ગુપ્તચર એજન્સીઓએ સરકારને આપેલી માહિતી પ્રમાણે, આ હુમલા પેરિસ હુમલા જેવા હશે. એટલું જ નહીં, લંડનમાં થનારા હુમલાની મોડસ ઓપરેન્ડી પણ પેરિસ હુમલાને મળતી હશે! આ બાતમી પછી બ્રિટને હુમલો અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે.
અહેવાલો અનુસાર, સીરિયા ભાગી ગયેલા આતંકવાદીઓ યુરોપમાં પાછા ફર્યા હોવાની ગુપ્તચર તંત્રે માહિતી આપી છે. આ આતંકીઓએ હવે યુરોપમાં બીજો એક હુમલો કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે યુરોપના પેરિસ જેવા જ એક પ્રખ્યાત શહેર લંડન પર પસંદગી ઉતારી છે.
એક પ્રધાનને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે એક સાથે આવા ત્રણ હુમલાની ચેતવણી હોય તો તેને રોકવા અમે સક્ષમ હતા. જોકે પેરિસ હુમલા પછી અમે અનુભવ્યું છે કે, આપણે વધારે સાવચેત રહેવાની જરૂર છે. હવે અમે ત્રણ, ચાર, પાંચ, સાત, આઠ નહીં, પણ દસ હુમલાને નિષ્ફળ બનાવવા તૈયાર છીએ.
દરમિયાન બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીએ પ્રાથમિક તબક્કે ગેરકાયદે હથિયારોના નેટવર્કને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લંડન નજીક આર્મી રેજિમેન્ટને પણ તૈનાત રાખવામાં આવી છે, જે જરૂર પડયે સ્પેશિયલ એર સર્વિસીસના કમાન્ડો અને લંડન પોલીસને મદદ કરશે.
આ ઉપરાંત બ્રિટિશ સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ મહત્ત્વના સ્થળોએ ફરજ સોંપાઈ છે, જે કેમિકલ અને બાયોલોજિકલ બોમ્બને પણ નિષ્ફળ બનાવવા સક્ષમ છે. હાલમાં જ આ યુનિટના અધિકારીઓને વિસ્ફોટકો શોધીને તેને નાકામ બનાવવાની અઘરી તાલીમ અપાઈ છે.
હાલ બ્રિટનની જેલોમાં બંધ મુસ્લિમ કટ્ટરવાદીઓ પણ ચિંતાનો વિષય બન્યા છે. બ્રિટિશ જેલના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, જેલમાં બંધ આતંકવાદીઓ બ્રિટિશ અધિકારીની હત્યા કરીને મોબાઈલ રેકોર્ડિંગ કરવાનું કાવતરું ઘડી શકે છે. આ પ્રકારનો વીડિયો ખૂબ ઝડપથી ઈન્ટરનેટ પર પહોંચીને કટ્ટરવાદનો પ્રચાર થઈ શકે છે.

