‘એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ગિનાન’ સંસ્થા ઈસ્માઈલી ખોજા સમાજના ધાર્મિક પદ - ગિનાન સાહિત્યના અધ્યયન-સંશોધનને સમર્પિત આંતરરાષ્ટ્રીય ખ્યાત સંસ્થા છે. લંડન ખાતે ગત તા. ૨૦ને રવિવારે હોટલ હોલિડે ઈન, વેમ્બલી ખાતે યોજાયેલી ગિનાન મહેફિલમાં ગુજરાતના આદ્ય કવિ નરસિંહ મહેતાના સમકાલીન એવા પીર શમ્સ, પીર હસનકબીર, સદગુરુ નૂર, પીર સદરુદ્દીન તથા પીર તાજદીન, ઈમામશાહ દ્વારા રચાયેલા ખોજા પીરના ગિનાનનો-પદોનો સંશોધનમૂલક અભ્યાસ કરનાર ડો. બળવંત જાનીને એસોસિએશનના ચેરમેન પ્યારઅલી જીવા અને વાઈસ ચેરમેન મોહંમદ મોલેદિના દ્વારા લાઈફલોંગ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સેક્રેટરી પરિનબાનુ સોમાણીએ જણાવ્યું કે ડો. જાનીએ ઈસ્માઈલી ગિનાન સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં સમાવિષ્ટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. મોહંમદ મોલેદિનાએ કહ્યું કે પ્રો. બળવંત જાની બહુ સાચી રીતે માને છે કે ઈસ્માઈલીઓ આખા વિશ્વમાં પ્રસરેલા છે. તેઓ સવાર-સાંજ ગિનાન ગાન કરે છે. આ ગિનાન તેરમી સદીમાં ગુજરાતી ભાષામાં રચાયેલા છે. ગિનાન ગાનના નિમિત્તથી ઈસ્માઈલી તિજારી ખોજા જમાત ગુજરાતી ભાષાને વિશ્વમાં ફેલાવી રહી છે. આ કારણે ગુજરાતી ભાષા ક્યારેય નામશેષ નહીં થાય.
આ પ્રસંગે સિએટલ, અમેરિકાથી પધારેલા વિશ્વવિખ્યાત ગિનાન ગાયક તૌફિકે તેમના સુમધુર કંઠમાં વાજીંત્રો સાથે ગિનાન પદો પ્રસ્તુત કર્યા હતા. અનિશા મહેશે એનું સંકલન કર્યું હતું.
ફ્રાંસથી ડો. માલિંઝો તેમજ મિશેલ બોવિન, હુસૈન જસાણી, લંડનના ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી. બી. પટેલ ડો. જગદીશ દવે, રામ ગઢવી અમેરિકા, પ્રતાપ પંડ્યા અને બાબુ સુથારે બળવંત જાનીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

