૧૪મો પ્રવાસી ભારતીય દિવસ બેંગ્લૂરુમાં

Wednesday 23rd November 2016 05:22 EST
 
 

બેંગ્લૂરુઃ ૧૪મો પ્રવાસી ભારતીય દિવસ બેંગ્લૂરુના યજમાનપદે યોજાશે અને આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે પોર્ટુગીઝ વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭થી ૯ જાન્યુઆરી, ૨૦૧૬ દરમિયાન બેંગ્લૂરુમાં યોજાનારા ૧૪મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેવા રિપબ્લિક ઓફ પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાને આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.’
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન કોસ્ટા ઉદ્ઘાટન સત્ર દરમિયાન ૮ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય સંમેલનમાં ડેલિગેટ્સને સંબોધન કરશે. એન્ટોનિયો કોસ્ટાનો જન્મ ૧૯૬૧માં લિસ્બનમાં થયો હતો. ગોઅન પોર્ટુગીઝ મૂળના એન્ટોનિયો કોસ્ટાના પિતા ઓરલાન્ડો કોસ્ટા લેખક છે, જ્યારે માતા મારિઆ એન્ટોનિયો પલ્લા પોર્ટુગીઝ જર્નાલિસ્ટ છે.
યાદીમાં એમ પણ જણાવાયું છે કે સાઉથ અમેરિકન દેશ સુરીનામના ૩૬ વર્ષીય ઉપપ્રમુખ માઇકલ અશ્વિન સત્યાન્દ્રે આદ્દીન ૭ જાન્યુઆરીના રોજ બેંગ્લૂરુમાં યોજાનારા યુથ પ્રવાસી ભારતીય દિવસના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને યુવા અને રમતગમત વિભાગના પ્રધાન વિજય ગોયલ પણ વિદેશવાસી ભારતીયોને સંબોધન કરશે.


comments powered by Disqus