બ્રિટન-આયર્લેન્ડમાં પટેલ અને સિંઘ અટક કોમનઃ ઓક્સફર્ડ

Wednesday 23rd November 2016 05:37 EST
 
 

લંડનઃ સાહિત્યકાર શેક્સપિયરે ભલે કહ્યું હોય કે વોટ ઇઝ ઇન અ નેઇમ? પરંતુ આ સંદર્ભે જ થયેલા એક અનોખા સર્વેમાં રસપ્રદ બાબતો જાણવા મળી છે. પહેલી જ વાર બ્રિટન અને આયર્લેન્ડમાં સામાન્ય પારિવારિક નામને શોધવા ચાર વર્ષ સુધી અભ્યાસ થયો. જેમાં મળી આવેલી એક લાખ અટકમાંથી ૪૫,૬૦૦ અટકો સામાન્યપણે જોવા મળે છે. અને તેમાં પટેલ અટકનો પણ સમાવેશ થાય છે.
બ્રિસ્ટોલ સ્થિત ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેળવણીકારોએ આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે પુસ્તક પ્રકાશિત થયું છે તેનું નામ છેઃ ‘ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ ફેમિલી નેમ ઇન બ્રિટન એન્ડ આયર્લેન્ડ’.
અભ્યાસમાં ધ્યાને આવ્યું હતું કે બ્રિટન અને આયર્લેન્ડની તળપદી અટકો ૪૦,૦૦૦ જેટલી છે. બાકીની અટકો ૧૬મી સદીથી અત્યાર સુધીમાં આવેલા વિદેશી ઇમિગ્રન્ટસની છે.
પટેલ અટક વિશે
પટેલ અટક વિશે પુસ્તકમાં જણાવાયું છે કે બ્રિટન કે આયર્લેન્ડના અગાઉના કોઈ શબ્દકોશમાં તેનો ઉલ્લેખ નથી કે તેના વિશે સમજૂતી આપવામાં આવી નથી. બ્રિટનમાં જોવા મળતી ભારતીય અટકમાં તે એક સામાન્યપણે જોવા મળતી અટક છે. વર્ષ ૨૦૧૧માં એક લાખ લોકો આ સરનેમ ધરાવતા હતા.
પાંચ ભારતીય અટક
વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીને ધ્યાને રાખીને અટકધારકોની સંખ્યાની આંકડાકીય માહિતી આ પુસ્તકમાં અપાઇ છે, સાથે તેનો અર્થ પણ સમજાવવા પ્રયાસ થયો છે.
• પટેલ (૧,૦૧,૪૬૭)ઃ બ્રિટનમાં સામાન્યપણે જોવા મળતી આ અટક છે. ગામના વડા તરીકેનો હિન્દી અને પારસી શબ્દ છે.
• સિંઘ (૫૬,૪૪૬)ઃ આ શબ્દ સંસ્કૃત આધારિત છે. હિન્દુ ક્ષત્રિયમાં આ અટકના મૂળ રહેલા છે, પરંતુ વિવિદ સમુદાયો તેનો ઉપયોગ કરે છે.
• કૌર (૩૫,૫૯૫)ઃ હિંદુ કે શીખ મહિલા પોતાના નામને અંતે તેનો ઉપયોગ કરે છે. જોકે તે અટક નથી, પરંતુ કોઈ નામનો ટૂંકો શબ્દ છે. તેમાં સંસ્કૃત શબ્દ કુમારી કે કન્યાનું તત્ત્વ છે.
• શાહ (૩૧,૩૧૨)ઃ પર્શિયન રોયલ ટાઇટલમાં તેના મૂળ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના વેપારી સમુદાયમાં પણ આ અટક જોવા મળે છે.
• મિયા (૧૯,૩૨૭)ઃ મુસ્લિમ સમુદાયમાં સન્માનવાચક શબ્દ છે. ઉર્દૂ મિયાહ શબ્દમાં તેના મૂળ રહેલા છે. પર્શિયન મિયાન શબ્દમાંથી આ શબ્દ ઊતરી આવ્યો છે.


comments powered by Disqus