મુંબઇઃ રાહુલ ઠક્કરની વાત કંઈક અલગ જ છે. તેઓ બ્રિટનમાં જન્મ્યા છે. ભારતમાં તેમનો ઉછેર થયો છે. અને હવે અમેરિકામાં પ્રતિષ્ઠિત ઓસ્કર સન્માન મેળવ્યું છે. ડ્રીમવર્ક્સ એનિમેશન મીડિયા રિવ્યુ સિસ્ટમ માટે ૪૫ વર્ષના રાહુલ ઠક્કરને ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા છે. ૧૩ ફેબ્રુઆરીએ બેવર્લી હિલ્સમાં યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત થયો હતો.
રાહુલ ઠક્કરને ફિલ્મ સાથેનો નાતો તેમના પિતા તરફથી વારસામાં મળ્યો છે એમ કહી શકાય. તેમના પિતા ચંદ્રકાંત ઠક્કર પણ અદાકાર હતા. તેઓ અનેક નાટકોમાં પરેશ રાવલ, નસીરુદ્દીન શાહ, સુપ્રિયા પાઠક, ઓમ પુરી, અમરીશ પુરી અને શ્યામ બેનેગલ સાથે કામ કરી ચૂક્યા છે. તેમના પિતા ૧૯૬૦થી અદાકારી, લેખન અને નિર્દેશન એમ ત્રણે ક્ષેત્રે સક્રિય હતા. જ્યારે રાહુલના માતા પ્રભા ઠક્કર લંડનસ્થિત રાડા (રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક)માં પ્રોડક્ટ ડિઝાઇનિંગનો ૨૦ વર્ષનો અનુભવ ધરાવે છે.
રાહુલે મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અને અમેરિકાની ઉટા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. જન્મથી જ સર્જનાત્મક માહોલમાં ઉછેર થયો હોવાથી રાહુલ માટે ફિલ્મ ક્ષેત્રે કામ કરવું કાંઈ નવું ન હતું. તેમને આ ક્ષેત્ર માટે અપાર પ્રેમ છે. હોલિવૂડના ફિલ્મકાર સ્ટીવન સ્પિલબર્ગે ૧૯૮૪માં ‘ઇન્ડિયાના જોન્સ’ ફિલ્મ બનાવી હતી. તેમાં મોલારામની ભૂમિકા જોઈને સમગ્ર ભારત આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ ભૂમિકા અમરીશ પુરીએ ભજવી હતી. અમરીશ પુરી અને સ્ટીવન સ્પીલબર્ગની મુલાકાત કરાવનારા બીજા કોઈ નહીં પણ રાહુલ ઠક્કર જ હતા.
રાહુલ ઠક્કરને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે એ સમયે તેઓ ડ્રીમવર્ક્સ સાથે જ કામ કરતા હતા અને તેમણે જ સ્પીલબર્ગને અમરીશ પુરીનો નંબર આપ્યો હતો. મુંબઈમાં તેમના અનેક મિત્રો છે જે આજે પણ તેમની સાથે સંપર્કમાં છે. જ્યારે અમે લોકો ‘મિશન ઇમ્પોસિબલ-૨’ જેવી ફિલ્મ માટે વિઝ્યુઅલ ઇફેક્ટ તૈયાર કરી રહ્યા હતા ત્યારે પણ હાઇ ક્વોલિટી ઓડિયો અને હાઇ રેઝોલ્યુશન ફિલ્મ લાગતી હતી તે બધું જ તેમણે જ કર્યું હતું. અમેરિકામાં પણ તેમની વિશેષ ઓળખ છે.

