લંડનઃ મેથમેટિક્સ એટલે ભારે માથાકુટિયો વિષય. મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ વિષય મૂંઝવતો હોય છે. જોકે સ્ટુડન્ટ્સની સમસ્યાઓ ઉકેલવા અને તેને સરળ બનાવવા એક ટીચરે એક હજારથી વધુ વીડિયો બનાવ્યા છે. આમ તો તેમણે આ વીડિયો પોતાના સ્ટુડન્ટ્સની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવ્યા હતા, પરંતુ જ્યારે તેમણે આની સકારાત્મક અસર જોઇ ત્યારે અન્ય સ્ટુડન્ટ્સ પણ આ વીડિયોની મદદ લઇ શકે તે માટે તમામ વીડિયો ઓનલાઇન મૂકી દીધા છે - અને તે પણ વિનામૂલ્યે.
આ સમર્પિત ટીચર છે લંડનના કોલિન હેગાર્ટી. તેઓ વેમ્બલીની પ્રેસ્ટર મેનોર સ્કૂલમાં બાળકોને ગણિત ભણાવે છે. તાજેતરમાં તેમને વાર્કી ફાઉન્ડેશન ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ સન્માનને અધ્યાપન ક્ષેત્રે નોબલ પુરસ્કાર સમકક્ષ ગણવામાં આવે છે. તેમાં પુરસ્કારરૂપે ૧૦ લાખ ડોલરની રકમ આપવામાં આવે છે.
આવતા મહિને - માર્ચમાં દુબઇમાં યોજાનારા ગ્લોબલ ફાઉન્ડેશન એન્ડ સ્કિલ ફોરમમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. હેગાર્ટીએ જ્યારથી આ અંગે સાંભળ્યું છે તો તેઓ આશ્ચર્યચકિત છે. તેઓ કહે છે કે તેમણે તો માત્ર બાળકોની સમસ્યા દૂર કરવા માટે વીડિયો બનાવ્યા હતા. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ કામ આટલી મોટી ખ્યાતિ અપાવશે.
હેગાર્ટીને ગયા વર્ષે પણ ઘણા લોકોએ સલાહ આપી હતી કે તેઓ પોતાનું નામ એવોર્ડ માટે મોકલે, પરંતુ ત્યારે તેમણે નામ મોકલ્યું નહોતું. હેગાર્ટી વર્ષથી ભણાવી રહ્યા છે. અગાઉ, તેઓ ડેલોઇટમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી ચુક્યા છે, પરંતુ ગણિતથી તેમને બહુ લગાવ છે અને તેઓ બાળકોમાં પણ આવો લગાવ જગાડવા માગે છે.
ચાર વર્ષ પહેલા એક સ્ટુડન્ટ પોતાની સમસ્યા લઇને આવ્યો હતો કે તે ગણિતમાં બહુ નબળો છે. તેના બીમાર પિતા ટ્યુશન પણ રાખી શકે તેમ નહોતા. આ સમયે હેગાર્ટીએ તેના માટે એક વીડિયો તૈયાર કર્યો જેથી સ્ટુડન્ટ તે વીડિયોની મદદથી અભ્યાસ કરી શકે. આ સ્ટુડન્ટે મેથ્સમાં ઝળહળતો દેખાવ કર્યો હતો. આ પ્રસંગે હેગાર્ટીનો ઉત્સાહ વધાર્યો. અને પરિણામ આપણી સમક્ષ છે.

