હરિયાણામાં અનામતની આગ

Wednesday 24th February 2016 07:03 EST
 
 

નવી દિલ્હી, ચંડીગઢઃ જાટ સમુદાયે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માગ સાથે શરૂ કરેલા આંદોલને હિંસક વળતાં સમગ્ર હરિયાણા અશાંતિની આગમાં લપેટાયું છે. રાજ્યમાં ઠેર ઠેર હિંસા અને આગજનીના બનાવોએ જાહેર અને ખાનગી મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. દસ દિવસની હિંસામાં ૧૯ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૨૦૦ જેટલા લોકોને ઇજા થયાના અહેવાલ છે.
આંદોલનનાં એપીસેન્ટર જેવા રોહતક, ભિવાની અને સોનેપતમાં કર્ફ્યુ છતાં હિંસક બનાવો બનતા રહ્યા છે. સરકાર અને જાટ નેતાઓની અપીલો છતાં હરિયાણામાં હિંસા જારી રહી છે.
રાજ્ય સરકારે અનામતની માગણી સ્વીકારવાની ખાતરી આપી હોવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમની માગણી છે કે સરકાર આ મુદ્દે વટહુકમ કરશે પછી જ આંદોલન સમેટવામાં આવશે. રાજ્યના વરિષ્ઠ પ્રધાન રામવિલાસ શર્માએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને રૂપિયા ૧૦ લાખની સહાય અપાશે. તેમ જ પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ અપાશે.
રાજ્યના અનેક અશાંત વિસ્તારોમાં લશ્કરી ટુકડીઓને ઉતારીને કરફ્યુ લાદવામાં આવ્યો છે. સોમવારે સવારના ભાગમાં કેટલાક પ્રદેશોમાં સ્થિતિ સામાન્ય બનતા એવી આશા હતી કે દિવસ દરમિયાન શાંતિ જળવાશે. જોકે દિવસ ચડતાં સ્થિતિ વણસી હતી. સવારમાં સુરક્ષા દળોએ હાઇ વે અને રેલવે ટ્રેકો પરથી આંદોલનકારીઓને દૂર કર્યા બાદ કેટલાંક સ્થળોએ ફરી એક વાર તોફાનીઓ સડકો પર આવી ગયા હતા. સોનેપતના લડસૌલીમાં આંદોલનકારીઓનાં ટોળાં અને જવાનો વચ્ચે અથડામણ સર્જાતાં સેનાએ કરેલા ગોળીબારમાં પાંચ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અનેકને ઇજા થઇ હતી.
સેનાની ટુકડીએ દિલ્હીથી પાણિપત જતો નેશનલ હાઇ-વે નં. ૧ પણ ખુલ્લો કરાવ્યો હતો પરંતુ ટોળાઓએ ફરી હિંસા આચરતાં માર્ગ બંધ કરવા ફરજ પડી હતી. તોફાનીઓએ દુકાનો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. સોનેપતમાં તોફાની ટોળાએ માલગાડીના ૪ ડબ્બામાં તેમ જ છ બસોમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ દિલ્હી-ચંડીગઢ હાઇ-વે ફરી બંધ કરી દેવાયો છે.
રોહતકના મેહમ ખાતે ટોળાએ સ્પેશ્યલ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)ની કાર સળગાવી હતી. ગન્નૌરમાં કન્ટેનર લઇ જઇ રહેલી માલગાડીને આગ ચાંપી દેવામાં આવી હતી. શહેરમાં પોલીસની એક સહિત ૩૦ ગાડીઓને સળગાવી દેવાઈ હતી. કૈથલમાં સેંકડો લોકોનાં ટોળાએ મોલ અને દુકાનોમાં ભારે તોડફોડ અને લૂંટફાટ કરી હતી. ઝજ્જરમાં હિંસા અટકી હતી, પરંતુ ભારેલા અગ્નિ જેવી સ્થિતિને કારણે સેનાએ ફ્લેગમાર્ચ કરી હતી.
કરોડો રૂપિયાનું નુકસાન
જાટ સમુદાયે અનામતની માગણી સાથે નવ દિવસથી શરૂ કરેલા આંદોલનની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. હરિયાણામાંથી પસાર થતા નેશનલ હાઇવે તેમજ રેલવેલાઇનોને આંદોલનકારીઓએ ભારે નુકસાન પહોંચાડીને વાહનવ્યવહાર ખોરવી નાખ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં ખાદ્યસામગ્રીનો પુરવઠો ખોરવાઇ જતાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે.
એક અંદાજ મુજબ જાટ અનામત આંદોલનને પગલે આશરે ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન માત્ર હરિયાણા જ નહીં, ઉત્તર ભારતના દરેક રાજ્યોને થયું છે. નુકસાનની જે રાજ્યોમાં સૌથી વધુ અસર છે તેમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ચંડીગઢ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળી રહ્યું છે.  આ ઉપરાંત હરિયાણામાંથી પસાર થતી મોટા ભાગની રેલવે લાઇનો બંધ હોવાથી રેલવે તંત્રને પણ ભારે નુકસાન થયું છે.
જાટ-બિન જાટ વચ્ચે હિંસા
હરિયાણામાં જાટ આંદોલન હવે વર્ગવિગ્રહ તરફ જઇ રહ્યું છે. અમુક વિસ્તારોમાં જાટ અને બિન જાટના લોકો વચ્ચે હિંસાના દૃશ્યો જોવા મળ્યા હતા.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે હિસારમાં જાટ આંદોનકારીઓ અને બિન જાટ નાગરિકો વચ્ચે હિંસા થતા ૧૫ જેટલા લોકો ઘવાયા હતા. હિંસાને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો.
લશ્કરની ટ્રક પર કબજો
જાટ સમુદાય માટે અનામતની માગણી કરતા આંદોલનકારીઓએ લશ્કરની રોહતકથી હિસાર જતી દસ ટ્રક પર કબજો કરી લીધો છે. આ આંદોલનને કેટલું હિંસક અને ભયાનક છે એ વાતનો અંદાજ આ અહેવાલથી આવી શકે છે.
આંદોલનકારીઓ ઠેર ઠેર આગજની અને તોડફોડ કરી છે, જેના કારણે તોફાનીઓને દેખો ત્યાં ઠારના આદેશ કરવો પડ્યો છે. આંદોલનની આડમાં અનેક તોફાની લૂંટફાટ કરતા હોવાની પણ કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે. આ કારણોસર રોહતક અને ભિવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
હેલિકોપ્ટરથી સેના ઉતારાઈ
આંદોલનકારીઓ એટલા ઉગ્ર બની ગયા હતા કે અન્ય રાજ્યોને જોડતા રસ્તા પણ ખોદી નાખ્યા હતા. હિસારથી રોહતક તરફ સૈન્યનો કાફલો આવી રહેલા કાફલાને રોકવા માટે મેદાનખેરી વિસ્તારમાં રોડ વચ્ચે જ મોટો ખાડો ખોદી નાખતા કલાકો સુધી સૈન્ય આગળ નહોતું વધી શક્યું. બાદમાં સૈન્યે આગળ વધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી.
૩૧મી માર્ચ સુધીમાં અહેવાલ
જાટ સમુદાયના હિંસક આંદોલનને પગલે મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે આર્થિક રીતે નબળા વર્ગને અનામતનું એલાન કર્યું છે. હરિયાણા સરકારે સર્વપક્ષીય બેઠકો બોલાવીને જાટ સમાજને અનામતની સમીક્ષા આપવા એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ૩૧મી માર્ચ સુધીમાં અહેવાલ રજૂ કરશે અને બાદમાં વિધાનસભામાં ખરડો પસાર કરાશે. જોકે, કેટલાક જાટ નેતાઓએ આ બધી પ્રક્રિયામાં અવિશ્વાસ હોવાનું કહીને વટહુકમ બહાર પાડીને તાત્કાલિક ઠોસ પગલાં લેવાની માગ કરી છે.
જીવનજરૂરી ચીજવસ્તુની તંગી
જાટ અનામત આંદોલનને પગલે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેના ગુરગાંવ અને માનેસર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી દિલ્હીમાં પણ દૂધ, શાકભાજી અને ફળફળાદિની તંગી સર્જાઈ છે. જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે.
મારુતિ સુઝુકીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારે બે મોટા પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. બંને પ્લાન્ટમાં રોજની ૫૦૦૦ કાર બનતી હતી. દૂધ ઉત્પાદક કંપની અમૂલને રોહતકનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. આ પ્લાન્ટમાં રોજનું પાંચ લાખ લિટર દૂધ ઉત્પાદન થતું હતું. તોફાનીઓએ રોહતકમાં હરિયાણા ડેરી કોર્પોરેશનનો એક પ્લાન્ટ પણ સળગાવી દીધો હતો.
હરિયાણાના મોટા શાકભાજી બજારોમાંથી દિલ્હી આવતા શાકભાજી અને ફળફળાદિના પુરવઠાને પણ વાહન વ્યવહાર ખોરવાઈ જવાના કારણે અસર થઈ છે.
જોકે, હાલ દિલ્હીની દૂધની જરૂરિયાત ઉત્તર પ્રદેશથી પૂરી કરાઈ રહી છે. જ્યારે શાકભાજી પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી લવાઈ રહ્યા છે.
દિલ્હીમાં પાણીની તંગી
જાટ અનામત આંદોલનની અસર દિલ્હીમાં વિશેષ પ્રમાણમાં જોવા મળી છે. આંદોલનકારીઓએ પાટનગરને પાણી પહોંચાડતી મુનાક કેનાલને તોડી નાખી હતી જેને પગલે દિલ્હી તરફ જતું પાણી અટકી ગયું હતું. પરિસ્થિતિ એટલી કફોડી છે તે દિલ્હીમાં ૬૦ ટકા પાણીની અછત ઉભી થઇ છે, કોઇ નિકાલ ન આવતા દિલ્હીની આપ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. બે દિવસ સુધી દિલ્હીમાં પાણીની અછત ઉભી રહેશે તેમ મનાય છે. કેનાલ દ્વારા દિલ્હીમાં ૬૦ ટકા પાણી મળે છે. કેનાલને આંદોલનકારીઓથી બચાવવા લશ્કરી ટુકડીનો પહેરો ગોઠવાયો છે.


comments powered by Disqus