સારંગપુરઃ ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એક વિશ્વ વંદનીય સંતવિભૂતિ હતાં. તેમણે સમગ્ર જીવન વિશ્વસમસ્તના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. કોઈ પણ જાતના ભેદભાવ વિના, નિઃસ્વાર્થભાવે સમાજસેવા કરનાર પ્રમુખસ્વામી મહારાજે આ સિવાય પણ કેટલાક રચનાત્મક કાર્યો માટે સંકલ્પો કર્યા હતા. તેમના આ સંકલ્પોને સાકાર કરવા અને અસંખ્ય લોકો સુધી તેનો લાભ પહોંચાડવા સમસ્ત બીએપીએસ સંસ્થા પ્રાર્થના અને પુરુષાર્થ કરવા કટિબદ્ધ છે. આ શબ્દો છે ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ પદે બિરાજનાર મહંત સ્વામીના. સોમવારે તેમણે પત્રકારો સાથેની વાતચીત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે ધામગમન કરતાં બીએપીએસની જવાબદારી હવે ‘મહંત સ્વામી’ના નામે લોકપ્રિય સાધુ કેશવજીવન-દાસજીના શિરે છે. મહંત સ્વામી પ.પૂ. યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના એક છે. તેઓ દેશ-વિદેશમાં વિચરણ કરીને સત્સંગ-પ્રસારનું કાર્ય કરતા રહ્યા છે.
સાધુ બન્યા ‘મહંત’
૧૯૬૧માં સાધુ કેશવજીવન-દાસજી મુંબઇમાં ‘મહંત’ તરીકે નિમાયા ત્યારથી જ તેઓ ‘મહંત સ્વામી’ તરીકે પ્રસિદ્ધ થયા. ૮૩ વર્ષીય પૂ. મહંત સ્વામી ૧૯૫૬માં બી.એસસી. (એગ્રિકલ્ચર) થયા બાદ ૧૯૫૭માં દીક્ષિત થઈને યોગીજી મહારાજની સેવામાં જોડાયા હતા. મહંત સ્વામી બીએપીએસમાં વરિષ્ઠ સંતવર્ય છે.
૧૯૩૩માં મધ્ય પ્રદેશમાં જબલપુર ખાતે તેમનો જન્મ થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો અભ્યાસ કરીને તેઓ આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચરિસ્ટ તરીકે ઉત્તીર્ણ થયા હતા. ૧૯૫૧થી તેમને પ્રમુખસ્વામી મહારાજનાં ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો યોગ થયો ને તેમની આધ્યાત્મિક પ્રતિભાથી રંગાઇ ગયા.
પ્રખર બુદ્ધિમત્તા અને તર્કશીલ માનસ ધરાવતા મહંત સ્વામીને યોગીજી મહારાજના આધ્યાત્મિક વ્યક્તિત્વમાં તમામ પ્રશ્નોનાં ઉત્તર મળી ગયા. ૧૯૬૧માં યોગીજી મહારાજનાં હસ્તે દીક્ષિત થઇને તેઓ સાધુ બન્યા. ૧૯૭૧થી તેઓ પ્રમુખ-સ્વામી મહારાજને જ યોગીજી મહારાજનાં સ્વરૂપ તરીકે એટલે કે ગુરુ તરીકે અનુસરતા રહ્યા. ઉત્તમ સાધુતાયુક્ત સંત તરીકે અને પ્રખર બુદ્ધિમંત વ્યક્તિત્વ તરીકે અનેકને વર્ષોથી આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતાં રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજે ૨૦ જુલાઇ, ૨૦૧૨ના રોજ નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે પૂજ્ય મહંત સ્વામીને અનુસરવા જણાવ્યું હતું. તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ અને ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે.

