નવી દિલ્હીઃ સોનાની દાણચોરી અટકાવવા વ્યક્તિગત સામાન માટે જાહેર કરેલા નિયમોથી છેલ્લા કેટલાક સમયમાં પર્સનલ યુઝ માટે ઘરેણાં લાવનાર અને લઈ જનાર મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં કસ્ટમ્સના નિયમોમાં ફેરફાર કરીને હળવા બનાવાશે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ નવી માર્ગરેખા તૈયાર કરી રહ્યું છે. નવી માર્ગરેખા એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પહેલનો ભાગ છે.
નાણા મંત્રાલયના એક અધિકારીએ ઇટીને કહ્યું કે, ‘અમે ધોરણોની ચકાસણી કરી રહ્યા છીએ. લગ્ન કે અન્ય પ્રસંગ માટે ભારત આવતા કે ભારતની બહાર જતા લોકો ઘરેણાં સાથે લઈ જાય છે અને પરત પણ લાવે છે.’ વિભાગે કસ્ટમ્સની મંજૂરી સરળ અને ઝડપી બનાવવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આયાતને ઘટાડવા સોનાની કસ્ટમ્સ ડ્યૂટી વધારી ૧૫ ટકા કર્યા પછી પેસેન્જર્સ દ્વારા સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે. જેને રોકવા કડક નિયમો લાગુ કરાયા છે. જોકે, આ પગલાંને કારણે કોઈ પ્રસંગ માટે વિદેશમાં ઘરેણાં લઈ જનારા ભારતીય નાગરિકો અને વિદેશમાંથી જ્વેલરી લાવનારા NRIsને એક્સાઇઝ અને કસ્ટમ્સની આકરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમણે જ્વેલરીના ફોટા પડાવી અને લાંબું પેપરવર્ક કરવાનું હોય છે. સરકારની સમસ્યા આ પ્રકારની જ્વેલરીની સરળ હેરફેર અને તેનો દુરુપયોગ અટકાવવાની છે. તેના માટે કાર્ડ દ્વારા કે ઓનલાઇન ડ્યૂટીની ચુકવણીના વિકલ્પની વિચારણા ચાલુ છે. એનો અર્થ એ થયો કે, જ્વેલરીના મૂલ્ય પ્રમાણે દેશમાં એન્ટ્રી વખતે ડ્યૂટી લઈ એ વ્યક્તિ પરત ફરે ત્યારે નાણાં પરત કરી શકાય. અધિકારીના જણાવ્યા અનુસાર આ મુદ્દે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે.
