તહેરાનઃ ઇરાન સાથેના સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે ઇરાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે તહેરાન પહોંચતાં જ સૌપ્રથમ ભાઇ ગંગા સિંહ સભા ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિતનું પ્રતિનિધિ મંડળ પણ હતું.
આ અવસરે વડા પ્રધાને ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે આ મારા માટે સૌભાગ્યની વાત છે કે આપણે ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જયંતિ ઉજવી રહ્યા છીએ. મોદીએ કહ્યું હતું કે ઇરાનમાં ભારત માટે અઢળક તક રહેલી છે. આ મુલાકાત બન્ને દેશો વચ્ચેની ‘વ્યૂહાત્મક ભાગીદારી’ને આગળ ધપાવવા માટે એક તક આપશે.

