તાજપોશી સાથે જ વચનપાલનનો પ્રારંભ કરતા જયા‘અમ્મા’

Wednesday 25th May 2016 06:45 EDT
 
 

ચેન્નઈઃ તામિલનાડુનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતાં જયલલિતાના એઆઇએડીએમકેએ ફરી એક વાર સત્તા હાંસલ કરી છે. પાંચ વાર મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરી ચૂકેલાં ‘અમ્મા’એ સોમવારે છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તામિલનાડુમાં ૨૭ વર્ષ જૂનો ઇતિહાસ છે કે, એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પછી ફરીથી સત્તા મેળવી શકતી નથી. જોકે, અમ્માએ આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
મદ્રાસ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ગવર્નર કે. રોસૈયાએ જયલલિતા અને પ્રધાનમંડળના ૩૨ સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ૧૩ નવા ચહેરા ધરાવતા પ્રધાનમંડળમાં પાંચ મહિલા, ૩ ડોક્ટર અને ૩ વકીલ છે. જયલલિતા લીલા રંગને બહુ જ શુકનવંતો માનતા હોવાથી લીલા રંગનાં વસ્ત્રોમાં જ શપથ લીધા હતા. રાજ્યની ૧૫મી વિધાનસભા માટે એઆઈએડી-એમકેના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સેમ્મલાઇ પ્રોટેમ સ્પીકર નિમાયા છે.
ફરી લીલીછમ હરિયાળી છવાઈ
શપથ સમયે જયલલિતાએ તેમના મનપસંદ લીલા રંગની સાડી પહેરી હતી. તો સમારોહ સ્થળની સજાવટ પણ લીલા રંગની હતી. રાજ્યપાલે જયલલિતાને જે ગુલદસ્તો આપ્યો તેનું આવરણ પણ લીલા રંગનું હતું. શપથ લીધા બાદ જયલલિતાએ લીલા રંગની પેનથી હસ્તાક્ષર કર્યા હતા, જેની શાહીનો રંગ પણ લીલો હતો. જયલલિતા હંમેશાં લીલા રંગની વીંટી પહેરી રાખે છે. જયલલિતાની નિકટના મનાતા શશિકલા પણ લીલા રંગનાં પરિધાનમાં સજ્જ હતાં. કાર્યકરોએ પણ લીલા વસ્ત્રો પહેર્યા હતા.
સત્તા સંભાળતા જ આદેશો
મુખ્ય પ્રધાનપદે આરૂઢ થતાં જ જયલલિતાએ તામિલનાડુમાં દારૂબંધીનું વચન પાળવાની દિશામાં આગળ વધવાના સંકેત આપ્યા હતા. જયલલિતાએ રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તકની ૫૦૦ શરાબની દુકાનો બંધ કરવાનો અને તેનો સમય ઘટાડવા આદેશ આપ્યો છે. રાજ્યમાં સરકાર હસ્તકની કુલ ૬,૭૨૦ દુકાનો છે, હવે આ દુકાનો બપોરના ૧૨થી રાતના ૧૦ સુધી જ ખુલ્લી રહેશે.
આ ઉપરાંત તેમણે ખેડૂતોની ૩૧ માર્ચ, ૨૦૧૬ સુધીની તમામ પ્રકારની લોન માફ કરી છે. યાદીમાં જણાવાયું હતું કે, નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા બેંકો, સહકારી બેંકો પાસેથી લેવાયેલી લોન, પાક માટે લેવાયેલી લોન, ટૂંકા - લાંબા ગાળાની લોન માફ કરાઇ છે. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર રૂ. ૫,૭૮૦ કરોડનો બોજો પડશે
આ ઉપરાંત તેમણે રાજ્યમાં ૧૦૦ યુનિટ કરતાં ઓછી વીજળી વાપરતા ૭૮ લાખ કરતાં વધુ ગ્રાહકોને વીજબિલમાં માફી જાહેર કરી છે. આથી રાજ્યની તિજોરી પર રૂ. ૧,૬૦૭ કરોડનો બોજો પડશે. રાજ્ય સરકાર વીજગ્રાહકોને રૂ. ૩,૦૦૦ કરોડની સબસિડી તો આપે જ છે.
‘પારિવારિક રાજકારણનો અંત’
જયલલિતાએ કહ્યું હતું કે, ડીએમકે પરિવારના રાજકારણનો અંત આવી ગયો છે. લોકોએ ડીએમકેના મિથ્યાભિમાનને ફગાવી દીધું છે. ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ મતદારોનો આભાર માનતા તેમણે આ લાગણી વ્યક્ત કરી હતી. ‘અમ્મા’ની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને જીતના અભિનંદન પાઠવ્યા હતા.
તદ્દન વિપરીત પરિણામ
તામિલનાડુમાં મતદાન વેળા હાથ ધરાયેલા એક્ઝિટ પોલમાં કેટલીક એજન્સીઓએ ડીએમકે સુપ્રીમો કરુણાનિધિની સત્તાવાપસીનો સંકેત આપ્યો હતો અને જયલલિતાની હાર થતી હોવાનું દર્શાવ્યું હતું. જોકે, ચૂંટણીના પરિણામો વિપરીત આવ્યા છે. જનતાએ તમામ અનુમાનોને ખોટા સાબિત કરી ફરી એક વાર રાજ્યની કમાન અમ્માના હાથમાં સોંપી છે.


comments powered by Disqus