લંડનઃ બ્રિટનમાં એક ફનફેરમાં જીતેલી ગોલ્ડ ફિશને જીવતી ગળી જવાના આ કૃત્ય બદલ ૨૧ વર્ષીય એન્જિનિયર યુવાનને દંડ કરાયો છે. યુવાનનું આ (અપ)કૃત્ય બહાર આવતા તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેના આ કૃત્યને ‘ક્રૂરતાનું ભયાનક કૃત્ય’ ગણાવીને તેને દંડ ૭૫૨ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત કોર્ટે તેને પાંચ વર્ષ સુધી માછલી રાખવા સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અહેવાલ અનુસાર, પ્લેમાઉથના એલેક્ઝાન્ડર મેકેએ પણ કબૂલ્યું હતું કે ગોલ્ડ ફિશને જીવતી ગળી જઈને તેને કારણ વગર તકલીફ આપી હતી. ખરેખર તો ગયા ઓક્ટોબરમાં ટેવીસ્ટોકમાં આયોજિત એક ગૂઝ ફેરમાં મેકેનો એક મિત્ર આ ફિશ જીત્યો હતો. આના થોડાંક દિવસો પછી એક વીડિયો મિત્રના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરાયો હતો જેમાં આ માછલી ગળી જવાની ઘટના દર્શાવાઇ હતી. આ અંગે રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી અંતર્ગત કેસ થયો હતો. મેકેને આ કૃત્ય બદલ કોર્ટે ૭૫૨ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. તેને પાંચ વર્ષ સુધી માછલી રાખવા અંગે પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

