ગુવાહાટી: સર્વાનંદ સોનોવાલે મંગળવારે આસામના મુખ્ય પ્રધાનપદે શપથ લીધા તે સાથે જ ભાજપના ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠ ઉમેરાયું હતું. પૂર્વોત્તર ભારતમાં ભાજપની સૌપ્રથમ સરકારની રચનાના સાક્ષી બનવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, લાલ કૃષ્ણ અડવાણી, પ્રકાશ સિંહ બાદલ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તથા પ્રદેશ પ્રમુખો સહિત ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાકઝમાળભર્યા સમારોહમાં ભાજપના કાર્યકરોના નારા વચ્ચે ૫૩ વર્ષના સર્વાનંદ સોનોવાલે હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. તેમણે આસામી ભાષામાં સંબોધનનો પ્રારંભ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
સોનોવાલ સાથે ૧૦ પ્રધાનોએ શપથ લીધા હતા. તેમાંથી છ ભાજપના અને બે - બે પ્રધાનો સાથી પક્ષો આસામ ગણ પરિષદ (એજીપી) અને બોડો લેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)ના છે. પ્રધાનમંડળમાં સ્થાન પામેલા ચહેરામાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા હેમંત બિશ્વા શર્માનો પણ સમાવેશ થાય છે.
વિકાસનું સપનું સાકાર કરશુંઃ મોદી
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામી ભાષામાં સંબોધનનો પ્રારંભ કરતાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે સરકાર અને જનતા એક સાથે મળીને કામ કરશે તો અવશ્ય સારું પરિણામ મળશે જ. સોનોવાલની સમગ્ર ટીમ તમારા પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવવાના પ્રયત્ન કરશે.
મોદીએ સોનોવોલની પ્રશંસા કરતા કહ્યું હતું કે સરળતા, પ્રફુલ્લિતતા ને ઉત્સાહ તેમની મુખ્ય ઓળખ છે. કેન્દ્રમાં પ્રધાનમંડળમાં મારા સાથી તરીકે તેમની દરેક ખાસિયતને હું બહુ સારી રીતે જાણું છું. સમગ્ર આદિવાસી સમાજ સર્વાનંદ પર ગર્વ કરે છે કેમ કે તેઓ સમાજને સમર્પિત છે. તમે અમને તમારું સપનું સાકાર કરવાનો મોકો આપ્યો છે ત્યારે અમે પણ ખાતરી આપીએ છીએ કે આસામની પ્રજાનું વિકાસનું સપનું અવશ્ય સાકાર થશે.
બે વર્ષમાં બાંગ્લાદેશ સીમા સીલઃ સોનોવાલ
સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભારતની સરહદ સંપૂર્ણપણે સીલ નથી. તેને બે વર્ષમાં સંપૂર્ણ સીલ કરાશે, જેથી ઘૂસણખોરી અટકાવવામાં મદદ મળશે. મુખ્ય પ્રધાન તરીકે તેમના નામની પસંદગી બાદ એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં સામેલ તમામ મુદ્દા ઉપર અમે કામ કરીશું. તેમાં સૌથી મુખ્ય કામ ઘૂસણખોરોને ઓળખવાનું છે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હતાં તે તમામનો અમલ થશે. તમામ મુદ્દાને અમે પ્રાથમિકતા આપીશું.
તેમણે જણાવ્યું હતું કે બે વર્ષમાં ભારત-બાંગ્લાદેશ સરહદે પાકી દિવાલ બનાવાશે. પાકિસ્તાન સરહદે જેમ પંજાબમાં વાઘા બોર્ડર છે તેવી જ રીતે અહીં પણ સરહદી ક્ષેત્રને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
સર્વાનંદ સોનોવાલઃ સ્વચ્છ નેતાની ઇમેજ
આસામ ભાજપના નેતા સર્વાનંદ સોનોવાલ લો-પ્રોફાઈલ નેતા છે. તેમણે પ્રચારમાં કોંગ્રેસ કે તરુણ ગોગોઈ પર પ્રહાર કરવાના બદલે બાંગ્લાદેશની સીમાને સીલ કરવાને વધારે મહત્ત્વ આપ્યું. સાથોસાથ તેમણે આસામના મૂળ નાગરિકોને રજિસ્ટર્ડ બનાવવા માટે વધારે મહત્ત્વ આપ્યું, જેથી સ્થાનિકોની આશંકા દૂર કરી શકાય. તેમણે કહ્યું હતું કે હિન્દુ હોય કે મુસ્લિમ કે અન્ય કોઈ પણ ધર્મના, પરંતુ દરેકને રક્ષણ મળશે.
સ્વચ્છ નેતાની ઇમેજ ધરાવતા સોનોવાલે મોદીનો વિશ્વાસ જીત્યો છે. તેમનું નામ વિધાનસભા ચૂંટણી વેળા વધુ જાણીતું થયું છે, પણ ઓછા લોકો જાણે છે કે ગત લોકસભા ચૂંટણીમાં રાજ્યની ૧૪માંથી સાત બેઠકો ભાજપને અપાવવામાં તેમની મોટી ભૂમિકા છે.
સોનોવાલના ચહેરા પર હંમેશા એવું સ્માઈલ રહે છે જે લોકો ખૂબ પસંદ કરે છે. તેઓ ૧૯૭૦ બાદ બાદ પ્રથમ આદિવાસી નેતા છે, જે મુખ્ય પ્રધાન બન્યા છે. આસામમાં ભાજપના વિજયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. મોદી સરકારમાં યુવા અને રમતગમત મંત્રાલયમાં રાજ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા સોનોવાલ કટારી આદિવાસી સમૂહને રિપ્રેઝન્ટ કરે છે.
આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સોનોવાલ સંઘ પરિવાર અને ભાજપ - બન્નેની પસંદના નેતા છે. ગેરકાયદે ઘુસણખોરી પર લગામ મૂકીને આસામમાં સુશાસન લાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે.

