ભારતવ્યાપી ભાજપ

આસામમાં ભાજપ • બંગાળમાં ‘દીદી’ • તામિલનાડુમાં ‘અમ્મા’ • કેરળમાં એલડીએફ • પોંડિચેરીમાં કોંગ્રેસ-ડીએમકે

Wednesday 25th May 2016 06:25 EDT
 
 

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામોએ ભારતનું રાજકીય ચિત્ર બદલી નાંખ્યુ છે. ભાજપે પહેલી વખત પૂર્વોતર ભારતમાં - આસામમાં - ઐતિહાસિક વિજય સાથે સરકાર રચીને પોતાનાં ‘કોંગ્રેસમુક્ત ભારત’નાં અભિયાનને આગળ ધપાવ્યું છે. જ્યારે મમતા બેનરજી અને જયલલિતાએ અનુક્રમે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં સત્તાના સિંહાસન પર પુનરાગમન કર્યું છે જે દર્શાવે છે કે ‘દીદી’ અને ‘અમ્મા’નો દબદબો યથાવત્ છે.
કેરળના મતદારોએ પણ દેશના અન્ય રાજ્યોની જેમ કોંગ્રેસમુક્ત પ્રદેશનો મંત્ર અપનાવ્યો હોય તેમ જનાદેશ ડાબેરીઓની તરફેણમાં આપ્યો છે. દેશના સૌથી સદીપુરાણા પક્ષ કોંગ્રેસે એકમાત્ર - ખોબા જેવડા રાજ્ય - પોંડિચેરીમાં ડીએમકેના સહયોગમાં સત્તા મેળવી છે.
ભાજપ માટે આ ચૂંટણી પરિણામો ઘણા જ ઉત્સાહજનક હોવાની સાથે સાથે તેનાં અસ્તિત્વના પ્રસાર માટે પણ મહત્ત્વનાં છે.
આ પહેલાં યોજાયેલી બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલા કારમા પરાજય બાદ ભાજપ માટે આ ચૂંટણીઓમાં વિજય મહત્ત્વનો હતો. આસામમાં વિજય મળતાં તેણે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પોતાનો પગપેસારો કરવા ઉપરાંત પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તો પશ્ચિમ બંગાળ અને કેરળમાં તેના મતહિસ્સામાં વધારો નોંધાયો છે તે સંકેતને રાજકીય વિશ્લેષકો ખૂબ મહત્ત્વનો ગણી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે દેશવાસીઓ ભાજપમાં વિશ્વાસ રાખે છે કેમ કે તેઓ જાણે છે કે આ એક જ પક્ષ એવો છે જે તેમનો સર્વાંગી વિકાસ કરશે.
લાંચ, સ્ટિંગ ઓપરેશન, ચિટફંડ સહિતના આરોપોનો સામનો કરી રહેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ફરી જીત હાંસલ કરીને પોતાનું કદ વિસ્તારી બતાવ્યું છે. તામિલનાડુમાં જનાદેશ તેમના સૌથી વધુ લોકપ્રિય નેતા જયલલિતાના ફાળે આવ્યો છે. પાંચેય રાજ્યોની ચૂંટણીમાં તમામ મોરચે પાછા પડી રહેલા કોંગ્રેસ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ થઈ ગયો છે.

ઉત્તર-પૂર્વમાં ભગવો લહેરાયો

આસામમાં પૂર્ણ બહુમતી સાથે વિજયી બનેલા ભાજપના સર્વાનંદ સોનોવાલે મંગળવારે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યમાં ભાજપના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપનાર સોનોવાલને ચૂંટણી પૂર્વે જ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરાયા હતા. તેમના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, પ્રદેશ પ્રમુખો વગેરે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ક્યાંય ભારતની સરકાર નથી. આસામમાં તાજેતરની ચૂંટણીમાં વિજય સાથે ભાજપ પહેલી વખત આ રાજ્યોમાંના એકમાં પોતાની સરકાર રચી છે. આ સાથે જ હવે પછી ઉત્તર-પૂર્વના અન્ય રાજ્યો પર ભાજપની નજર રહેશે.

કોંગ્રેસ માત્ર છ રાજ્યોમાં

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. એક નાનકડા પોંડિચેરીને બાદ કરવામાં આવે તો તમામ રાજ્યોમાં દેશની આ સૌથી જૂની ગણાતી પાર્ટીને ગણનાપાત્ર સ્થાન મળ્યું નથી. હવે પોંડિચેરી (ડીએમકે સાથે યુતિ સરકાર) ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રહી છે. એમાં કર્ણાટકને બાદ કરતાં એક પણ રાજ્ય મોટું નથી.
પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે ગઠબંધન અને કેરળમાં એ લોકો સામે સીધી સ્પર્ધા કોંગ્રેસને ફળી નથી. બિહારમાં જનતા દળ (યુ) સાથે મળેલા વિજયનો આનંદ થોડો વખત ટક્યો છે. સમગ્ર માહોલ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ દેશની જનતાથી દૂર થઈ રહી છે. તેની નીતિઓ અને કામ કરવાની પદ્ધતિ લોકોને માફક આવતી નથી. કોંગ્રેસ બાહ્ય પરિબળોના આક્રમણથી પીડાઈ રહી છે તો આંતરિક મુશ્કેલીઓ પણ તેનો ભોગ લઈ રહી છે.

નેતાઓમાં કહીં ખુશી, કહીં ગમ

પરિણામો જાહેર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પોંડિચેરી અને કેરળના લોકોનો આભાર માનું છે કે તેમણે સાથ અને સહકાર આપ્યો. તેમને ખાતરી આપું છું કે અમે લોકો તેમની સેવા માટે સખત મહેનત કરતા રહીશું. સમગ્ર ભારતમાં લોકો ભાજપમાં વિશ્વાસ રાખી રહ્યા છે અને તેઓ જાણે છે કે આ એક જ પક્ષ છે જે તેમનો સર્વાંગી વિકાસ કરશે. પક્ષના વરિષ્ઠ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન રાહુલ ગાંધી પૂર્ણ કરશે. પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોથી દક્ષિણમાં અમારી જીતનો માર્ગ ખૂલ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણીમાં પક્ષના કારમા પરાજય અંગે આત્મમંથન થશે તેવી લાગણી વ્યક્ત કરી છે, પરંતુ પક્ષના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે પક્ષની દશા અને દિશા બદલવા માટે હવે કઠોર પગલાં લેવાનો સમય આવી ગયો છે.
વિધાનસભા ચૂંટણીઓમાં ડાબેરી પક્ષોના નબળા દેખાવ અંગે અફસોસ વ્યક્ત કરતા ડાબેરી નેતા ગુરુદાસ કામતે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો અમારો નિર્ણય ખોટો હતો. ગઠબંધનથી અમને જે આશા હતી, તે પૂરી ના થઈ શકી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પરિણામો અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ભાજપ માટે ઉજવણીનું આ મોટું કારણ નથી, તેમને આસામમાં જીત મળી કારણ કે કોંગ્રેસે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

હવે એનડીએનું વજન વધશે

હાલ રાજ્યસભામાં આસામની કોઈ બેઠક ખાલી નથી, પરંતુ ૧૧ જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી વખતે ભાજપ અને ટીડીપી બંને મળીને વધારાની સાત બેઠક મેળવે તેવી સંભાવના છે. આવતા મહિનામાં યોજાનારી ચૂંટણીઓ બાદ એનડીએ રાજ્યસભામાં યુપીએ પર સરસાઈ ધરાવતો
થઈ જશે.
આ ઉપરાંત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી પણ એક જગ્યા ખાલી પડી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં આ બેઠક ભાજપને મળવી નિશ્ચિત છે. આગામી ૧૧ જૂનના રોજ કુલ ૫૭ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

પેટા-ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની પછડાટઃ
ભાજપે બે બેઠક જીતી, કોંગ્રેસે બે ગુમાવી

• ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગણ અને ગુજરાતની પેટા-ચૂંટણીનાં પરિણામો પણ આવ્યાં છે. • ઉત્તર પ્રદેશની બિલારી અને જંગીપુર સીટ પર મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીએ કબજો જાળવી રાખ્યો છે. • ગુજરાતની તાલાળા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. • તેલંગણની અલાએર બેઠક ટીઆરએસે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. ટી. નાગેશ્વર રાવે કોંગ્રેસના ઉમેદવારને ૪૫,૬૮૨ મતથી હાર આપી. • ઝારખંડની ગોડ્ડા બેઠક ભાજપના અમિત કુમાર મંડલે આરજેડીના સંજય યાદવને ૩૪,૫૫૧ મતથી હરાવીને જીતી છે. • પનકી સીટ પર કોંગ્રેસના દેવેન્દ્ર કુમાર સિંહે ઝારખંડ મુક્તિ મોરચાના શશી ભૂષણ મહેતાને ૫૫૯૯ મતથી હરાવ્યા છે.


comments powered by Disqus