ક્યાંક સહકાર ક્યાંક ફટકાર

Wednesday 30th November 2016 05:35 EST
 
 

RBI શક્ય પગલાં લે છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે ૨૭મીએ નિવેદન આપ્યું કે, પ્રામાણિક લોકોની મુશ્કેલી શક્ય એટલી ઓછી કરવા RBI દ્વારા તમામ પગલાં લેવાઈ જ રહ્યા છે. અમે રૂ. ૫૦ અને રૂ. ૧૦૦ની નોટો વધુને વધુ પ્રિન્ટિંગમાં મોકલી છે. પ્રજાને અપીલ કે અત્યારે ડેબિટ કાર્ડ અને ડિજિટલ વોલેટનો વધુ ઉપયોગ કરે. આ મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, નોટબંધીના નિર્ણય મુદ્દે સરકારે RBIને પણ અંધારામાં રાખી હશે. ઉર્જિત પટેલે પણ અધૂરી તૈયારી કરીને દેશને ગેરમાર્ગે દોર્યો હોય એવું પણ હોઈ શકે અથવા તો RBIની સ્વાયત્તતાનો ભોગ આપ્યો હોઈ શકે.
રોકડની અછત પાંચ મહિના
બેન્ક એમ્પ્લોયિઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI)એ ૨૫મીએ જણાવ્યું હતું કે જો દેશમાં નોટ છાપવાના ચારેચાર પ્રેસને મહત્તમ ક્ષમતાથી કામ કરાવાશે તો પણ દેશમાં રોકડની અછત ચારથી પાંચ મહિના રહેશે. બેસતા મહિને લોકોને તેમના પગાર મેળવવાની પણ તકલીફ રહેશે. સંગઠનના જનરલ સેક્રેટરી પી. કે. બિશ્વાસે જણાવ્યું હતું કે, નોટ છાપવાના ચાર પ્રેસને મહત્તમ ક્ષમતાથી ચલાવાય તો પણ દેશમાં રોકડની અછત ચારથી પાંચ મહિના જારી રહેશે. તેમણે આરોપ મૂક્યો હતો કે, જાહેર ક્ષેત્રની બેંકોની કેટલીક શાખાઓ ગ્રાહકોએ હુમલા કરી તોડફોડ મચાવતાં બેંકની કામગીરી ખોરવાઈ ગઈ હતી. માર્ચ મહિનાના આંકડા પ્રમાણે દેશમાં રૂપિયામાં રૂ. ૫૦૦ની ૧૫,૭૦૭ મિલિયન અને ૧૦૦૦ની ૬૩૨૬ મિલિયન નોટો બજારમાં ફરી રહી હતી.
નોટબંધી આવકાર દાયકઃ રતન ટાટા
નોટબંધીના નિર્ણયથી ગરીબો માટે સરકારે કેટલાક રાહતનાં પગલાં લીધા પછી ઉદ્યોગપતિ રતન ટાટાએ ૨૬મીએ કહ્યું કે, મોદી સરકારે નોટબંધી, દેશમાં લાઈસન્સ રાજનો અંત અને જીએસટી એમ ત્રણ મહત્ત્વના આર્થિક સુધારા કર્યા છે. નોટબંધીનું પગલું આવકારદાયક છે.
RBIના લીધે નોટો રદ થઈઃ રવિશંકર
કાયદા અને આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ૨૬મી નવેમ્બરે જણાવ્યું હતું કે સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલી ભલામણને પગલે રૂપિયા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ રદ થઈ છે. રિઝર્વ બેંક ચલણી નોટને ચલણમાંથી દૂર કરવાની ચલણમાંથી દૂર કરવાની સત્તા ધરાવે છે.
કાળા નાણા કઢાવવા મોદીને ટેકો: નીતીશ
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે મોદીના નોટબંધીના નિર્ણયને સાહસિક ગણાવ્યો હતો. નીતિશે માગ કરી હતી કે સરકારે હવે બેનામી સંપત્તિ સામે કાર્યવાહી કરવી જોઈએ.
મોદીનું હિંમતભર્યું પગલું : અમરસિંહ
સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહે નોટબંધીનાં પગલાંને હિમતભર્યું ગણાવી કહ્યું કે અન્ય નેતાઓ તેમને આ મુદ્દે ટેકો આપે કે ન આપે પણ હું મોદીના નિર્ણયને ટેકો આપું છું, આને કારણે બ્લેક મની, ભ્રષ્ટાચાર અને બનાવટી નોટોનું દૂષણ દૂર થશે. ભ્રષ્ટાચારનાં મૂળને ડામવા આવા હિંમતભર્યા પીએમ આપણને મળ્યા છે તેનો મને ગર્વ છે.
બેંકખાતું ન હોય તેને પ્રીપેઇડ ડેબિટકાર્ડ
કેન્દ્રીય નાણામંત્રાલયે દેશની તમામ બેંકોને આદેશ આપ્યો છે કે, બેંકમાં ખાતુ ન હોય, પણ આધારકાર્ડ કે માન્ય ઓળખપત્ર હોય તેવા નાગરિકોને ડેબિટકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સવાને પ્રીરિચાર્જ ડેબિટકાર્ડ સેવાનું નામ અપાયું છે. આ કાર્ડમાં વ્યક્તિ એક નિશ્ચિત મર્યાદામાં નાણા જમાવી કરાવી શકશે. વ્યક્તિ તેનો ઉપયોગ પ્લાસ્ટિક મની તરીકે કરી શકશે.
મંદિરોમાં ઇ-વોલેટ - એટીએમની સુવિધા નોટબંધીના લીધે કેટલાક મંદિર સંકુલમાં એટીએમ સુવિધા કરાઈ છે. ક્યાંક ઈ-વોલેટ સુવિધા થઈ છે. પુરીના જગન્નાથ મંદિરમાં ચેક દ્વારા દાન અપાય છે. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થતાં કેટલાક મંદિર તે નોટ સ્વીકાર રહ્યા હતા તો કેટલાક મંદિર નહોતા સ્વીકારી રહ્યા.
જૂની નોટનો ઢગલો એવરેસ્ટથી ૩૦૦ ગણો
જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોનો ખડકલો થઈ ગયો છે અને તેમને માટે હવે આ ઢગલો સાચવવાની સમસ્યા વધી છે. હજી આ નોટો સ્વીકારાઈ રહી છે અને ૩૦ ડિસેમ્બર સુધી લોકો જૂની નોટો બેંકોમાં જમા કરાવતા જ રહેશે. આ નોટોનો ઢગલો કરો તો માઉન્ટ એવરેસ્ટ કરતાં ૩૦૦ ગણો ઊંચો થાય તેવી સ્થિતિ છે.


comments powered by Disqus