પૂણેઃ શહેરના છ વર્ષનો બાળક અદ્વૈત ખરા અર્થમાં પોતાના નામને સાર્થક કરી રહ્યો છે. આટલી નાની વયે તે સાત ભાષા જાણે છે, એકથી વધુ રમતમાં માહેર છે, સારો સ્વિમર છે, મેરેથોન રનર છે, સંગીતના વિવિધ વાદ્યો વગાડી જાણે છે, અને હવે તેણે એવરેસ્ટ બેઝ કેમ્પની મુશ્કેલ ચઢાઇ પૂરી કરી છે. આટલી નાની વયે આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બાળક છે. પહેલા ધોરણમાં ભણતા આ માસુમે હવે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે. અદ્વૈત ભરતિયાને ૧૭,૫૯૩ ફૂટની ઉંચાઇ સર કરતાં ૧૩ દિવસ લાગ્યા હતા.
અદ્વૈતના મમ્મી પાયલ પણ ટ્રેકર છે. પહેલા તેમણે એકલા ટ્રેકિંગ અભિયાન પર જવાનું નક્કી કર્યું હતું, પરંતુ જ્યારે અદ્વૈતને ખબર પડી તો તેણે કહ્યું કે હું પણ ચાલીશ. મમ્મીએ તેને સમજાવ્યું કે આ સંભવ નથી. મુશ્કેલ ચઢાઇ છે પરંતુ અદ્વૈત માન્યો. આખરે પાયલે કહ્યું કે મારી સાથે આવવું હશે તો પહેલા ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ હતી - દરરોજ પોતાના ચાર માળના ઘરની સીડીઓ ૨૫ વાર ચઢવી. સખત ટ્રેનિંગ પછી મમ્મી અને પુત્રની યાત્રા નેપાળના લુક્લા ગામથી શરૂ થઇ. ગામ એવરેસ્ટ વેલીમાં ૮૯૦૦ ફૂટની ઉંચાઇએ વસેલું છે અને માનવીની છેલ્લી વસતી છે, પરંતુ પાયલને થોડોક ડર હતો, તેથી તેમણે નેપાળમાં રહેતી પોતાની એક ફ્રેન્ડને કહીને એવી વ્યવસ્થા કરી લીધી હતી કે જો ચઢતી વખતે કોઇ મુશ્કેલી પડે તો એક કલાકમાં હેલિકોપ્ટર પહોંચી જાય. ચઢવાનું શરૂ કર્યું તો આગળ વધતા રસ્તામાં દૂધ કોસી નદી, દેવદારના ઝાડોના સુંદર જંગલ અને પછી બરફના શિખર પાછળ રહી ગયા. પહાડોનો થાક, ઓછું થતું ઓક્સિજન, શૂન્યથી પણ નીચે જતો પારો તો મોટાઓને પણ પસ્ત કરી દે છે.
ઘણી વાર તો તાપમાન માઇનસ ૮થી ૧૨ ડિગ્રી સુધી પહોંચી જાય છે. પાયલ જણાવે છે કે અદ્વૈતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, પરંતુ તે આનો ઉપાય યોગ્ય રીતે સમજી શકી રહ્યો હતો. અમે મોટા જાણીએ છીએ કે ચઢતી વખતે નાકથી શ્વાસ લેવો જોઇએ પરંતુ તે એમ કરી રહ્યો હતો. રાતના સમયે તે ઘણો થાક મહેસુસ કરતો હોવા છતાં શાંત રહેતો હતો. ઉઠીને બેસી જતો અને ઉંડો શ્વાસ લેતો હતો. રાત્રિએ તેને બહુ તરસ પણ લાગતી હોવા છતાં ભારે જુસ્સાવાળો અદ્વૈત કહે છે કે આગામી વાર તાન્ઝાનિયાનો માઉન્ટ કિલિમંજારો પર ચઢવા માગુ છું. પાયલ જણાવે છે કે ત્યાં પુરતી સુવિધાઓ નથી, તેથી ઉનાળામાં ત્યાં જવાની શક્યતા છે.
ખરેખર, અદ્વૈતમાં ભરપૂર ઉર્જા છે, જે તેના કામોથી પણ જાહેર થાય છે. સવારે ૭-૩૦ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી તે સ્કૂલમાં રહે છે. તે ફૂટબોલ, ક્રિકેટ રમે છે. માર્શલ આર્ટની ટ્રેનિંગ લઇ રહ્યો છે. સ્વિમિંગમાં તેને બટર ફ્લાય અને ફ્રી સ્ટ્રોક પસંદ છે. પાયલ જણાવે છે કે જે દિવસે સ્વિમિંગ કરતો નથી તેને ઉંઘ આવતી નથી. પુણે ઇન્ટરનેશનલ મેરાથોનમાં તે પહેલી વાર ત્રણ વર્ષની વયે સામેલ થયો હતો અને પાંચ કિલોમીટરની દોડ પુરી કરી હતી. ત્યારથી દર વર્ષે તે મેરાથોનમાં સામેલ થાય છે. સંગીતને તે દરરોજ અડ્ધો કલાક આપે છે. વાયલિન, પિયાનો અને તબલા વગાડે છે. વાયલિનમાં ગ્રેડ વનનો કોર્સ જાપાનની સંસ્થાથી કર્યું છે. પિયાનો વગાડવાનો સર્ટિફિકેટ કોર્સ તેણે ટ્રિનિટી કોલેજ ઓફ લંડનથી કર્યો છે.

