જમ્મુઃ આતંકવાદીઓએ મંગળવારે સવારે નગરોટામાં આવેલા એક આર્મી કેમ્પ પર કરેલા હુમલામાં લશ્કરના બે અફસરો અને પાંચ જવાનો શહીદ થયા છે. સામી બાજુ ભારતીય સુરક્ષા દળોએ કરેલી વળતી કાર્યવાહીમાં ત્રણેય હુમલાખોર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ આર્મી કેમ્પમાં અધિકારીઓની મેસ તેમજ અન્ય ભાગોમાં પ્રવેશ્યા હતા અને ૧૨ સૈનિકો, બે મહિલાઓ અને બે બાળકોને બંધક બનાવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે ઓપરેશનના બીજા તબક્કામાં ભારતીય સેનાએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને તમામને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા.
ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ મનિષ મહેતાએ કહ્યું હતું, ‘આર્મી કેમ્પમાં કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી છે. બે અધિકારીઓ અને પાંચ સૈનિકો માર્યા ગયા છે. હથિયારબદ્ધ આતંકવાદીઓએ વહેલી પરોઢે પાંચ વાગ્યે ૧૬૬ મિડિયમ આર્ટિલરી રેજીમેન્ટ પર હુમલો કર્યો હતો. કેટલું નુકસાન થઇ રહ્યું છે તેનો તાગ મેળવવા તપાસ ચાલી રહી છે.’
કર્નલ મહેતાના જણાવ્યા પ્રમાણે આ કોમ્બિંગ બુધવારે પણ ચાલુ રહેશે. જમ્મુથી લગભગ ૧૫ કિલોમીટરના અંતરે આવેલા નગરોટામાં જ ભારતીય સેનાની ૧૬ કોરનું વડું મથક છે. આ ટુકડી સરહદી સુરક્ષા અને આતંકવાદવિરોધી ઝૂંબેશની યોજના બનાવે છે.
એક અહેવાલ અનુસાર, કટ્ટરવાદીઓ તરફથી કેટલાક લોકોને બંધક બનાવવામાં તેવા સંજોગો સર્જાયા હતા. જોકે સેનાએ ૧૨ જવાનો, બે મહિલાઓ અને બે બાળકોને છોડાવી લીધા હતા.
એક અન્ય અહેવાલ અનુસાર, બીજી એક ઘટનામાં સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ અને સીમા સુરક્ષા દળના જવાનો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સાંબા સેક્ટરમાં ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા હોવાનો બીએસએફના જવાનોએ જણાવ્યું હતું.
નગરોટામાં આતંકી હુમલાની ઘટના બાદ જમ્મુને કાશ્મીર ખીણ પ્રદેશ સાથે જોડતા હાઇવે પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે. જમ્મુના જિલ્લા ક્લેક્ટર સિમરનદીપ સિંહના જણાવ્યા પ્રમાણે નગરોટામાં શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.

