નવી દિલ્હીઃ મોદી સરકારે દેશમાં રોકડ વ્યવહાર પર સંપૂર્ણ નાબૂદી તૈયારી ઝડપી રીતે કરી છે. પેટીએમની માફક સરકારી ઇ-વોલેટ લાવવા પર વિચાર થઈ રહ્યો છે. આ યુપીઆઇથી અલગ અથવા એમનું અપડેટ વર્ઝન હોય શકે છે. આ ઇ-વોલેટ દ્વારા કોઈ પણ રીતે આપ-લે પર ચાર્જ લાગશે નહિ. એટલું જ નહિ, સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સબસિડી પર સ્માર્ટફોન આપવાની યોજના પણ બનાવી રહી છે. અનુમાન છે કે આગલા બજેટમાં આ મુદ્દે કોઈ જાહેરાત થઈ શકે છે. સરકારી ઇ-વોલેટની રૂપરેખા બનાવવામાં વિત્ત, દૂરસંચાર અને સૂચના ઔદ્યોગિકી મંત્રાલય જોડાયા છે. આ તમામ પાછળ નીતિ આયોગ ધ્યાન આપશે. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના બેન્કોના સીઇઓની સાથે વીડિયો કોન્ફરન્સમાં પણ નાણા પ્રધાન અરુણ જેટલીએ કેશલેસ ઇકોનોમિને પ્રાધાન્ય આપવા માટેના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. જેટલીએ કહ્યું કે સરકાર ફિજિકલ કરન્સી અને ટ્રેડને પ્રોત્સાહન આપશે. ડિજિટલ ઇકોનોમિના લક્ષ્યને મિશનની રીતે ધ્યાનમાં લેવાશે.
ઇ-વોલેટ અને સબસિડી પર સ્માર્ટફોન
લોકોને સ્માર્ટફોન દેવામાં આવશે તેમના સબસિડીના પૈસા આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં આવી જશે. સરકારી ઇ-વોલેટ તેમાં ઇન-બિલ્ટ હશે. બસ તેને યોગ્ય એકાઉન્ટ નંબર આધાર નંબર નાખીને એક્ટિવેટ કરવાનું રહેશે. તેનો ઉપયોગ મોટા સ્તર પર થાય તે માટે તેના માટે દરેક સરકારી રેશનની દુકાનો, પેટ્રોલપંપ, દૂધના બૂથ તથા રેલવે સ્ટેશન, સરકારી બસ સેવા, સરકારી સ્કૂલ - કોલેજમાં તેને ચૂકવણી માટેનું માધ્યમ બનાવવાશે.
રોકડ આપ-લેથી બચવા ઇચ્છે છે સરકાર
માસ્ટરકાર્ડની રિપોર્ટ બતાવે છે કે કરન્સી ઓપરેશન પર દર વર્ષે રૂ. ૨૧૦૦૦ કરોડ ખર્ચ થાય છે. જુલાઈ ૨૦૧૫થી જૂન ૨૦૧૬ દરમિયાન રિઝર્વ બેન્કે ૨૧.૨ અબજ નોટોની સપ્લાઇ કરી. આને બનાવવામાં ૩૪૨૧ કરોડનો ખર્ચ થયો. ૨૦૦૦ અને ૫૦૦ની નોટ છાપવા પર ૧૫૦૦૦ કરોડ ખર્ચ થયાનો અંદાજ છે. બીજી તરફ સરકારના કાળા નાણા પરની સર્જિકલ સ્ટ્રાઈકના પગલાંમાં જનતા સાથ આપતી હોય તેમ ૨૯મી નવેમ્બર સુધીમાં જનધન ખાતાઓમાં ૬૪,૦૦૦ કરોડ રૂપિયા જેવી કેશ રકમ જમા થઈ ગઈ છે અને હજી આ આંકડામાં વધારો નોંધાઈ શકે તેમ છે.
ઘરેલુ સોના પર નિયંત્રણ નહીં
નોટબંધી પછી સરકાર ઘરમાં રાખવામાં આવતા સોના પર નિયંત્રણો લાદી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે લોકોમાં વ્યાપેલી અસમંજસને ધ્યાનમાં રાખીને ૨૫મીએ નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, લોકોનાં ઘરોમાં રહેલા સોના પર નિયંત્રણ લાદવા સરકાર દ્વારા કોઈ પ્રસ્તાવ નથી. અગાઉ એવા અહેવાલો પ્રગટ થયા હતા કે ૮મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત થયા બાદ સંખ્યાબંધ લોકોએ કાળા નાણાં દ્વારા સોનું ખરીદી લીધું હતું. સરકાર આવું સોનું ખરીદનારા લોકો સામે નિયંત્રણનું પગલું ઉઠાવી શકે છે.
નોટોનું એક્સ્ચેન્જ બંધ
સરકારે જણાવ્યું છે કે, ૧૫ ડિસેમ્બર સુધી માત્ર રૂ. ૫૦૦ની નોટો જીવનજરૂરી સેવાઓ, પેટ્રોલપંપ, દૂધનાં બૂથ, સરકારી બિલ અને ટેક્સ વગેરે ભરવા માટે માન્ય રાખી છે. ૧૫ ડિસેમ્બર સુધી ૫૦૦ની નોટો નિશ્ચિત કરાયેલા વ્યવહારો માટે જ ચલણમાં રહેશે. ૧,૦૦૦ની રદ નોટો હવે ૩૧મી ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. તેને ક્યાંય ઉપયોગમાં લઈ શકાશે નહીં.
નોટબંધીથી કાળું નાણું નાબૂદ થશેઃ સરકાર
નોટબંધીના નિર્ણય અંગે વિપક્ષોની સતત ટીકાઓ સહન કરી રહેલી મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં નોટબંધી મુદ્દે સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો છે કે આ પગલાંથી ૭૦ વર્ષથી જમા થયેલ કાળા નાણાંને સમાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. વિશ્વમાં જીડીપીના માત્ર ૪ ટકા રોકડ વ્યવહારો થાય છે. જ્યારે આપણા દેશમાં જીડીપીના ૧૨ ટકા રોકડ વ્યવહારો થાય છે. આ સ્થિતિમાં નોટબંધીનો નિર્ણય રોકડ વ્યવહારો ઘટાડી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. સોગંદનામામાં સરકારે જણાવ્યું છે કે અમને જાણવા મળ્યું છે જનધન ખાતાઓમાં ડીપોઝીટ રકમમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેટલાક અસામાજિક તત્ત્વો પોતાના કાળાં નાણાંને વ્હાઇટ બનાવવા માટે ગરીબ અને નિર્દોષ લોકોના જનધન ખાતાનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા ખાતાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જનધન ખાતાધારકોને અમારી અપીલ છે કે તેઓ પોતાના ખાતામાં અન્ય લોકોનાં નાણાં જમા કરાવે નહીં. નોટબંધીને કારણે રિઅલ એસ્ટેટ સેક્ટર પર અંકુશ આવશે. રોકેટ ગતિએ વધી ગયેલા મકાનોના ભાવ નીચા આવશે.

