લેખકો, વાચકોને અનુરોધઃ ઉઠાંતરી જેવું ક્યારેય ન કરશો...

Wednesday 30th November 2016 07:01 EST
 
 

વાચક મિત્રો,
‘ગુજરાત સમાચાર’ બ્રિટનવાસી ગુજરાતી સાહિત્યસર્જકોને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે સ્થાનિક લેખકો દ્વારા લખાયેલ વાર્તાઅો, લેખો અને કવિતાઅો હંમેશા દીપોત્સવી અંકમાં પ્રકાશિત કરે છે. તે પાછળનો અમારો આશય સ્થાનિક સ્તરે વધુને વધુ સાહિત્યીક પ્રવૃત્તિ વધે તે હોય છે.
પરંતુ કમનસીબે યુકેમાં રહેતા એક સ્થાનિક અને ઉત્સાહી લેખકે અમદાવાદ સ્થિત લેખક શ્રી પ્રફુલ્લ કાનાબાર દ્વારા લખાયેલ અને ભારત સ્થિત અન્ય સાપ્તાહિકમાં આ અગાઉ રજૂ થયેલ એક વાર્તા આ વર્ષના દીપોત્સવી અંકમાં માત્ર પાત્રોના નામમાં ફેરફાર સાથે પ્રકાશિત કરવા મોકલી આપી હતી. ઘણાં વર્ષોથી તે લેખક વાર્તાઅો મોકલતા હોવાથી અમે તેમના પર ભરોસો રાખીને તે વાર્તા દીપોત્સવી અંકમાં પ્રકાશીત કરી હતી.
આ ગંભીર બાબત અંગે વાર્તાના સાચા લેખક શ્રી પ્રફુલ્લભાઇએ ‘ગુજરાત સમાચાર’ની એડિટોરિયલ ટીમનું ધ્યાન દોરતાં સ્થાનિક લેખકનો સંપર્ક કરાયો હતો. જેમાં તે લેખકે ફોન પર જ અન્ય લેખકની કૃતિ પોતાના નામે પ્રકાશિત કરાવવાની ગંભીર ભૂલ થયાનું સ્વીકારીને ક્ષમા પ્રાર્થી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ શ્રેષ્ઠ કૃતિને વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડવા માગતા હોવાથી તેમણે આમ કર્યું હતું. સ્થાનિક લેખકે નિખાલસપણે, ખેલદીલીપૂર્વક સ્વીકારેલી ભૂલ આવકાર્ય છે. પરંતુ લેખકનો ઇરાદો ભલે ગમે તેટલો સારો હોય, પણ કોઇ અન્ય લેખકની કૃતિ પોતાના નામે ચઢાવીને પ્રકાશિત કરાવવાની પદ્ધતિ સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે.
વાચક મિત્રો, આ ઘટનાક્રમ અહીં ટાંકવાનો ઉદ્દેશ કોઇને નીચાજોણું કરાવવાનો નથી. પરંતુ અમે વાચકોથી માંડીને તમામ લેખકો-સર્જકોને તાકીદ કરવા માગીએ છીએ કે કોઇ અન્ય લેખક કે સર્જકની મૌલિક કૃતિને પોતાના નામે ચઢાવીને પ્રકાશિત કરાવવાની લાલચથી બચજો. કાનૂની દૃષ્ટિકોણથી તો આ ગેરકાયદે છે જ, નૈતિક મૂલ્યોના દષ્ટિકોણથી પણ આવું વલણ અયોગ્ય છે.
વાર્તાના લેખક શ્રી પ્રફુલ્લભાઇએ યુકેના સ્થાનિક લેખકની ક્ષમાયાચનાને સ્વીકારીને આ ગંભીર ચૂક સામે ઉદારતા દાખવીને જતું કરવાની ભાવના દાખવી છે તે બદલ ‘ગુજરાત સમાચાર’ તેમનો આભાર વ્યક્ત કરે છે.

- કમલ રાવ, ન્યુઝ એડિટર


comments powered by Disqus