અમદાવાદઃ વિદેશોમાં પણ ‘લીટલ ઇન્ડિયન સ્ટોર્સ’ ધરાવતા ગુજરાતી વેપારીઓએ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ભારતીય નોટો લેવાનું બંધ કર્યું છે જેથી NRI કે ભારતીય પ્રવાસીઓને ખરીદીમાં મુશ્કેલી પડે છે. દુબઈમાં મીનાબજાર, બેંગકોંકમાં ઇન્દ્રા સ્કવેર અને સિંગાપોરમાં મુસ્તફા માર્કેટના લિટલ ઇન્ડિયન સ્ટોર્સમાં ભારતીયો ખરીદી કરતા હોય છે. આ લિટલ ઇન્ડિયન સ્ટોર્સમાં ત્યાંની કરન્સીના બદલે ભારતીય ચલણ સ્વીકારાય છે. નોટબંધી પછી વિદેશમાં લોકોએ રદ થયેલી નોટોથી બેફામ ખરીદી કરતાં વિદેશોમાં પણ રદ ચલણ લેવાતું નથી. એક રિપોર્ટ મુજબ દુબઈ, સિંગાપોર, બેંગકોંગમાં ભારતીયો આવીને ખરીદી કરી જાય છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા વિદેશમાં અવરજવર કરતા મુસાફરો પર સઘન વોચ ગોઠવી છે. જો પ્રવાસી પાસે ભારતીય ચલણમાં ૨૫ હજાર અને પાંચ હજારથી વધુ ડોલર હોય તો કસ્ટમ વિભાગને ડિકલેર કરવું પડે છે. બીજી તરફ પુષ્કરના મેળામાં ખર્ચ કાઢવા માટે કેટલાક વિદેશી ભાઈઓએ ગીતો ગાઈને અને મહિલાઓએ એક્રોબેટિક્સ કરતબો દેખાડીને ભારતીય ચલણ કમાવવાનો નુસ્ખો અજમાવ્યો હતો. જર્મની, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના કેટલાક લોકોએ બ્રહ્મા મંદિર પાસે ગીતો ગાઈને ભારતીય ચલણની કમાણી કરી હતી. તેમણે ‘અમને મદદ કરો. પૈસીની તકલીફ છે.’ એવું બોર્ડ હાથમાં રાખ્યું હતું.’ તેમણે લોકોને પોતાને નાણાકીય મદદ કરવા અપીલ કરી હતી.
ગોવડેને ભાઈનું શબ માંડ મળ્યું
કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગોવડાના ૫૪ વર્ષના ભાઈ ભાસ્કર ગોવડેનું કમળાના કારણે ૨૩મી નવેમ્બરે મેંગલોરની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગોવડાના ભત્રીજાઓએ રૂ. ૪૦ હજારનું બિલ ચૂકવવા રદ થયેલી નોટો આપી તો જૂની ચલણી નોટ લેવાની હોસ્પિટલે ના કહી. અંતે બિલની ચેકથી ચૂકવણી કરી.
ભંગારના વેપારીની આત્મહત્યા
ઉત્તર પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદમાં બેન્ક બહાર લાગતી લાંબી કતારોમાં સાત દિવસ ઊભા રહેવા છતાં તેનું કોઈ પરિણામ હાથ ના લાગતાં ૩૫ વર્ષની ઉંમરના ભંગારના વેપારી મહંમદ શકીલે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. રૂપિયા ૫,૦૦૦ની જૂની નોટ તેને બદલવવાની હતી. બે લોનના હપ્તા પણ ભરવાના હતા.
યુપીમાં રૂ. ૨,૦૦૦ મેળવવા નસબંધી
ઉત્તર પ્રદેશમાં સરકારની એક યોજના પ્રમાણે નસબંધી કરાવનાર પુરુષને રૂ. ૨,૦૦૦ અને મહિને રૂપિયા ૧,૪૦૦ ચૂવવામાં આવે છે તેથી અલીગઢ, મથુરા, આગરામાં શ્રમિકો પરિવારનાં ગુજરાન માટે આ યોજનાનો સહારો લેવા મજબૂર બની ગયા છે.
રોજના રૂ. ૩૫૦ રળતાને નોટિસ!
બિહારમાં રોજના રૂ. ૩૫૦ માંડ કમાતા સુથારીકામ કરતા સુધીરકુમાર શાહને આવકવેરા વિભાગે રૂ. ૩૩૩ કરોડ રૂપિયાની કરવસૂલાતની નોટિસ મોકલી છે. નોટિસ મળ્યા પછી એક અઠવાડિયા સુધી તો સુધીર ઘરની બહાર નીકળ્યો નહોતો. આઇટી અધિકારી રવિકુમારે કહ્યું કે, કોમોડિટી ટ્રાન્ઝેકશનના કારણે આ પ્રકારની નોટિસ મોકલાવાઈ હશે. હાલમાં તપાસ ચાલી રહી છે કે નોટિસ ભૂલથી મોકલાઈ છે કે નહીં.
બેંકમાં જૂનો પ્રેમી મળ્યો અને...
નાસિકમાં એક ૨૩ વર્ષની યુવતી નોટ બદલવવા બેંકમાં કતારમાં ઊભી હતી તેની નજીકની લાઈનમાં જૂના પ્રેમીને ઊભેલો જોયો. ચાર વર્ષ પહેલાં તે તેને છોડીને ભાગી ગયો હતો તે વાત યાદ આવતાં યુવતીએ ભાઈ અને પિતાને બોલાવી લીધા અને પ્રેમીને માર મારવાનું શરૂ કરી દીધું. જે વ્યક્તિને માર પડી રહ્યો હતો તેની ઉંમર ૩૫ વર્ષની હતી. યુવતીએ મારપીટ કર્યા પછી પોતે જ પોલીસને જાણ કરી હતી.
ગામે ભંડોળથી લગ્ન સંભવ બનાવ્યા
કોલ્હાપુર નજીક યલગુડ ગામના એક પરિવારમાં પુત્રી સયાલીના લગ્ન ૨૩મી નવેમ્બરે હતા. નોટબંધીના લીધે બેંકમાંથી બચત ઉપાડી શકાઈ નહીં તો ગામલોકો, મિત્રો, સંબંધીઓએ નાની નાની રોકડ રકમ ઉપાડીને ભંડોળથી લગ્ન કર્યા.
છત્તીસગઢમાં નક્સલીઓના રૂપિયા
છત્તીસગઢના નકસલ પ્રભાવિત વિસ્તારમાં આવેલી બેન્કની ૫૦ શાખાઓમાં બે સપ્તાહ દરમિયાન રૂપિયા ૨૦ કરોડ જમા થયા છે. ગુપ્તચર શાખાના અહેવાલને પગલે આ બેંકખાતાઓના વ્યવહારો પર પ્રતિબંધ લાગ્યો છે. પોલીસને શંકા છે કે બેંકખાતાઓમાં જમા થયેલા નાણાં નકસલવાદીઓનાં છે, પરંતુ નોટબંધી પછી જૂની નોટ ભરવા અન્ય બેન્કખાતાધરાકોનાં ખાતામાં તે નાણાં જમા કરવામાં આવ્યાં છે.

