નડિયાદ નજીક આવેલ ચકલાસીના બટાકાના હિસાબના નાણાંની લેવડદેવડ બાબતે વેપારી તથા તેના ભત્રીજાનું ૨૦૦૨માં અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ભાનુ ભરવાડ સહિત ૧૨ આરોપીઓને નડિયાદની કોર્ટે આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ. એક લાખ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય કલમમાં ભાનુ ભરવાડ સહિત છ આરોપીઓને ૬-૬ માસની કેદ અને રૂ. ૧૦-૧૦ હજાર દંડ પેટે ભરવાનો હુકમ કર્યો હતો. આ દંડની કુલ રકમ રૂ. ૧૨,૬૦,૦૦૦માંથી રૂ. પાંચ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો પણ હુકમ કરાયો હતો.
• ૧૫ હજાર લોકોએ નર્મદા પરિક્રમા કરીઃ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ૧૭ દિવસમાં ૧૫ હજારથી વધુ પરિક્રમાવાસીએ તાજેતરમાં લાભ લીધો હતો. બે વિભાગમાં ૧૭ વાર યોજાયેલી પરિક્રમામાં ૧૪ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓએ નર્મદાની પરિક્રમા કરી હતી. માંગરોળ, ગુવાર, શહેરાવ, પાઇચાનો પુલ, બદ્રિકાઆશ્રમ, ગંગનાથ, નર્મદા સંગમ, ચાણોદ, કરનાળી, તિલકવાડા, મણિનાગેશ્વર ગરુડેશ્વર, સ્વામી દાંડી યોગાનંદતીર્થ આશ્રમ રામપુરા ખાતે પરિક્રમા સમાપન થઈ હતી.
• યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટનો વિકાસ કરાશેઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે ડાકોર મંદિરની મુલાકાત લઈ યાત્રિકો અને પદયાત્રીઓની સુવિધા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડાકોર ગોમતી નદીના કિનારે આવેલું છે. હાલનું મંદિર ૧૭૭૨માં બનાવાયું છે. દૂરદૂરના વિસ્તારમાંથી અહીં પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે તેના વિકાસની ચર્ચા થઈ હતી.
• છોટાઉદેપુરમાં બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરાતાં તંગદિલીઃ ગુજરાત સ્થાપના દિનની રાજ્ય સરકાર દ્વારા થનારી ઊજવણીની તૈયારીઓનો એક તરફ છોટા ઉદેપુર ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ દેશને આઝાદ કરવામાં બલિદાન આપનાર આદિવાસી સપૂત બિરસા મુંડાની પ્રતિમા તોડી પાડવાના કોઇએ કરેલા અટકચાળાના પગલે વાતાવરણ તંગ બન્યું છે. પ્રતિમાનું ૨૪ કલાક અગાઉ જ અનાવરણ કરાયું હતું.
• ચારૂસેટને ગુજરાત સરકાર દ્વારા ‘A’ ગ્રેડઃ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત કાર્યક્રમ હેઠળ સંચાલિત એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓડિટ (AAA) દ્વારા ‘A’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. યુનિવર્સિટીએ નેશનલ એક્રેડિટેશન એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ (NAAC)ના ધારાધોરણો અનુસાર ‘A’ ગ્રેડ મેળવ્યો છે. નોંધનીય છે કે, NAAC દ્વારા થતા મૂલ્યાંકન અને ગ્રેડિંગ થકી કોઈપણ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા માપવામાં આવે છે.
