લંડનઃ ૮૨ વર્ષીય જાપાની પેન્શનર યોશીયુકી શિનોહારાએ પીકાડેલી સર્કસ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્યુબ ટ્રેન સામે ૩૨ વર્ષીય શીતલ કેરાઈ નામની મહિલાને ઈરાદાપૂર્વક ધક્કો માર્યો હતો. આથી કેરાઈ બેકરલુ લાઈન સર્વિસ સાથે ટકરાઈને પ્લેટફોર્મ પર પટકાઈ ગઈ હતી. બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટના જજ જહોન હિલેને તેમની તબિયતને ધ્યાનમાં રાખીને કોઈ ઓર્ડર કર્યો નહોતો અને આ કેસની ટ્રાયલ ૨૭ મે પર મુલતવી રાખી હતી.
ગત ૧૦ નવેમ્બરે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં ટ્રેન આવી રહી હતી તેની થોડીક જ સેકંડ પહેલા શિનોહારા શીતલ કેરાઈને ધક્કો મારતા દેખાતા હતા. જોકે, ટ્રેન સાથે ટકરાવા છતાં સદનસીબે કેરાઈ બચી ગઈ હતી. તેને માત્ર નજીવી ઈજા જ થઈ હતી જ્યુરીએ માન્યું હતું કે શિનોહારાએ આ કૃત્ય કર્યું હતું. જોકે, તે હત્યાના પ્રયાસના આરોપનો જવાબ આપવા અશક્ત હોવાનું કોર્ટને જણાયું હતું. શિનોહારાનો મેડિકલ હેલ્થનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.

