કચ્છી કેસર કેરી સંભવત: આગામી માસના મધ્યમાં બજારોમાં પહોંચશે ત્યારે અત્યારથી જ વિદેશી વેપારીઓ દ્વારા કચ્છી કેસર કેરી બાબતે પૂછપરછ શરૂ થઈ ચૂકી છે. વિદેશના બજારોમાં કેરીની માગ જોવા મળી રહી છે ત્યારે પ્રતિકૂળ હવામાનને કારણે અપૂરતા ફાલની સંભાવનાની સ્થિતિમાં નિકાસમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ખેડૂતોને મોટી નુકસાની થાય તેવી આશંકા જોવા મળી રહી છે.
• ત્રણ કચ્છી ખલાસી ઈરાનની જેલમાં સબડે છેઃ પોણા બે વર્ષ પહેલાં માંડવી થૈમ પરિવારના સંબંધી માલિકીના દરિયાઈ માલવાહક વહાણ અબ્બાસને કથિત સીમાભંગના અપરાધમાં પકડી લીધા પછી કાનૂની કાર્યવાહી અંતે ૧૨ પૈકીના નવ ખલાસીઓ સહિત વહાણને મુક્ત કરાયું હતું, પરંતુ આ જહાજમાં સવાર ઉંમર સાલેમામદ થૈમ (નાખવા), ઈબ્રાહિમ રઝાક સપ (તાંત્રિક એક્સપર્ટ) અને સાજિદ ઉંમર સુમરા (માલમી) હજી ઈરાનની જેલમાં સબડતા હોવાથી વિદેશ મંત્રાલયને મધ્યસ્થી કરવા અરજી કરાઈ છે.
• મુન્દ્રાના અદાણી પાવર પ્લાન્ટમાં સ્ટીમ લાઈન ફાટતાં એકનું મોતઃ રાચા સ્થિત અદાણી પ્લાન્ટમાં બોઈલર સાથે જોડાયેલ સ્ટીમ લાઈન ફાટતાં બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે અંદાજિત ૨૧ કામદારો ભારે ગરમ વરાળથી દાઝી જતાં તેમને તાત્કાલિક ધોરણે સારવારઅર્થે સ્થાનિકની અદાણી હોસ્પિટલ બાદ ગાંધીધામ તથા અમદાવાદ ખસેડાયા હતા. જેમાં ચાર સ્થિર અને ૮ની સ્થિતિ ગંભીર છે. ૨૨મીએ સવારે ૧૧-૧૦ના ગાળામાં પ્લાન્ટમાંના બોઈલર સિગ્નલ ૬ નંબરની સ્ટીમ લાઈન
અગમ્ય કારણોસર ફાટતાં લાઈન નીચે કામ કલર કામ કરતા ૨૧ પરપ્રાંતિય કામદારો લાઈનમાંથી નીકળતી બળબળતી વરાળમાં લપેટાઈ ગયા હતા.
• સુરતના ભુલકાઓનું મહિના પછી પરિવાર સાથે મિલનઃ સુરતના સચિનમાં રહેતા પરપ્રાંતીય વિપુલપ્રસાદે ૧૯મી માર્ચના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનાં પત્ની પુષ્પાદેવી (૨૪), સાડા ત્રણ વર્ષની પુત્રી સોનમ અને દોઢ વર્ષનો પુત્ર અમન ગુમ થયાં છે. એના આધારે પોલીસે બાતમી મેળવીને તાજેતરમાં વિપુલપ્રસાદ પાસે બાળકોને પહોંચતા કર્યાં છે, જોકે માતાનો કોઈ પત્તો નથી. સુરત સચિનમાંથી માતા સાથે નીકળેલા બાળકો ભુજમાં મળ્યાં હતાં અને ભુજની માનવજ્યોત સંસ્થામાં બાળકોને આસરો અપાયો હતો.
