અમદાવાદઃ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરીને નાસી છૂટેલા મનિષ બાલાણીને કરજણ રેલવે સ્ટેશનેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા જિલ્લા એલ.સી.બી અને કરજણ પોલીસે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધરીને ૨૧મીએ મોડીરાતે ૧૦ વાગેને ૧૦ મિનિટે જયપુર બાંદ્રા સુપરફાસ્ટના જનરલ કોચમાંથી ઝડપી પાડ્યો હતો. જયપુર બાંદ્રા સુપર ફાસ્ટનું કરજણ સ્ટેશન સ્ટોપેજ નથી આમ છતાં સ્ટેશન સત્તાવાળાઓની મદદ લઈને ટ્રેને ખાસ કરજણ રેલવે સ્ટેશને રોકી હતી. પોલીસે આખી ટ્રેનને કોર્ડન કરીને હત્યારાને પકડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ હત્યારાને લઈને મોડી રીતે અમદાવાદ રવાના થઈ હતી.
આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે, ચંદ્રકાંતે આરોપી મનિષની નાર્કોટિક્સ અને લૂંટની એક ઘટનામાં શંકાસ્પદ હોવાથી તેને ક્રાઈમ બ્રાન્ચ લાવીને પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેની ઉલટ તપાસમાં આરોપીએ અમદાવાદના ડ્રગ્સ માફિયાઓથી માંડીને તેના ભાગીદાર અને બોસ આનંદ ખંડેલવાલ સહિતના લોકોના નામ આપી દીધાં હતા. ત્યારબાદ તેને ડર લાગ્યો હતો કે હવે પોલીસ કાર્યવાહી કરશે તો તે ક્યારેય જેલમાંથી નહીં છૂટે માટે કોન્સ્ટેબલ ચંદ્રકાંતનું મોંઢું કાયમ બંધ કરી દીધું હતું.
