અમદાવાદઃ કોંગ્રેસના પીઢ નેતા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેન પટેલનું ૨૧મી એપ્રિલે સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઉર્મિલાબહેન તેમના લાંબા રાજકીય જીવનમાં નર્મદા યોજનાના પ્રખર હિમાયતી રહ્યાં હતાં અને ગુજરાતને નર્મદા યોજના મળે તે માટે સતત લડતાં રહ્યાં હતાં. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના માતૃશ્રી ઉર્મિલાબહેનનો જન્મ ૫ માર્ચ ૧૯૩૨ના રોજ થયો હતો. ૧૯૯૩થી ૧૯૯૯ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા. ૧૯૯૫-૯૬ના સમય દરમિયાન તેઓ કેન્દ્ર સરકારમાં ઉર્જા પ્રધાન રહી ચૂક્યાં હતાં. કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ઉર્મિલાબહેને પ્રજાકીય અને સામજિક પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.

