સ્વાતંત્ર સેનાની પૂર્ણિમાબહેન પકવાસાનું ૧૦૩ વર્ષની વયે અવસાન

Wednesday 27th April 2016 07:45 EDT
 
 

સાપુતારાઃ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલા ઋતંભરા કન્યા વિદ્યાલયના સ્થાપક, પદ્મભૂષણ અને સ્વાતંત્ર્ય સેનાની પૂર્ણિમાબહેન અરવિંદભાઈ પકવાસાનું સોમવારે સાંજે ૬.૦૦ કલાકે ઋતંભરા વિદ્યાલય-સાપુતારા ખાતે નિધન થયું છે. તેઓ ૧૦૩ વર્ષનાં હતાં. લાંબા સમયથી માંદગીમાં રહીને સોમવારે તેઓના નિધનની વાત વાયુવેગે પ્રસરતા સૌ કોઈ દુ:ખદ લાગણીમાં ડૂબી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામના વતની એવા પૂર્ણિમાબહેન પકવાસાએ ૧૯૭૪થી ડાંગ જિલ્લામાં કન્યા શિક્ષણના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આદિવાસી કન્યાઓમાં શિક્ષણની સાથેસાથે હિંમતભેર જુસ્સો પુરવાનું કામ પૂર્ણિમાબહેન પકવાસાએ કર્યું હતું. ઘણા વર્ષોથી દીકરીઓને સાપુતારા ખાતે રહેવાની સુવિધા પૂરી પાડી શિક્ષણમાં કન્યાઓ આગળ વધે તે માટે તેઓ હંમેશાં પ્રયાસ કરતાં હતાં. ઋતુંભરા વિદ્યાલયના વ્યવસ્થાપક હસમુખભાઇ દેસાઈ કહે છે કે, પ્રખર ગાંધીવાદી એવા પૂર્ણિમાબહેન પકવાસાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી કન્યાશિક્ષણને વેગવંતુ બનાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા.
આઝાદીની ચળવળ દરમિયાન જેલવાસ ભોગવી ચૂકેલા પૂર્ણિમાબહેને કસ્તુરબા ગાંધીને પણ ભણાવ્યા હતા. આદિવાસી કન્યાઓ માટે પોતાનું સમગ્ર જીવન શૈક્ષણિક સેવા કાર્યમાં વિતાવનારાં પૂર્ણિમાબહેન પકવાસા જેવાં વીરનારીને ડાંગ જિલ્લાએ નહીં, પરંતુ ગુજરાત રાજ્યેએ ગુમાવ્યાં છે અને તેમની ખોટ કોઈ કાળે પૂરી શકાય તેમ નથી.


comments powered by Disqus