સુરતમાં આવેલા વાત્સલ્ય એપાર્ટમેન્ટના ૧૧મા માળેથી પડતું મૂકીને કોલેજની સ્ટુડન્ટ દિવ્યા બોરખતરિયાએ આપઘાત કરી લીધો હતો. દિવ્યાએ સ્યુસાઇડ નોટમાં માતા- પિતાને ઉદેશી લખ્યું હતું કે, મારી અંતિમવિધિને બદલે ગોવા જઇને એક એક પેગ મારી લેજો. દિવ્યા એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરતી હતી. તેની ઓફિસમાં જ કામ કરતા યુવક સાથે તેને પ્રેમ હતો. દિવ્યાને માતા- પિતાએ કહ્યું હતું કે જો પ્રેમી સાથે લગ્ન કરવા હોય તો ચાર વર્ષ રાહ જુએ અથવા પ્રેમી સાથે સંબંધ તોડી નાંખે.
• લોકરમાં મૂકેલી રૂ. ૧ લાખની ચલણી નોટ ઊધઈ ખાઈ ગઈ!ઃ તરસાડીની દેનાબેંકની શાખામાં પોતાના લોકરમાં મૂકેલા ૧ લાખ રોકડા રૂપિયા ઊધઈએ કોરી ખાતાં મહિલા ગ્રાહક મનીષાબહેન ઠાકોરને પરસેવો વળી ગયો હતો. મહિલાએ બાબતે બેંકના મેનેજરને જાણ કરતાં મેનેજરે તેમને રિઝર્વ બેંકમાંથી નવી નોટો અપાવવાનું આશ્વાસન આપતાં મહિલાનો જીવ હેઠો બેઠો હતો.
• નવસારી પાસે સુરતના જૈન કુટુંબની કારને અકસ્માતઃ નવસારી નજીક નેશનલ હાઈવે નં. ૮ ઉપર કાર ડિવાઈડર કૂદાવીને સામેના ટ્રેક પર જતાં ડમ્પર, અલ્ટો કાર અને બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જૈન પરિવારના પ્રેમચંદભાઈ જૈન, રોહિતભાઈ જૈન અને પૂજાબહેન જૈનનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
