નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાહનચાલકોની સુવિધા માટે ઈટીસી (ઈલેક્ટ્રોનિકસ ટોલ કલેક્શન) પ્રિ પેઈડ કાર્ડનો આરંભ થયો છે, અત્યારે દેશના ૨૭૫ ટોલનાકા પર આ સુવિધા ચાલુ થઈ ગઈ છે. રાજકોટ આસપાસના નેશનલ હાઈવે ઓથોરિટીના ૭ ટોલનાકા પર આ યોજના રવિવાર ૨૪મી એપ્રિલથી અમલમાં મુકાઈ છે.
• દિવ્યાંગોને નિઃશુલ્ક મુસાફરીઃ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ દ્વારા દિવ્યાંગોના વિવિધ પ્રશ્નો અંગે કરવામાં આવેલી રજૂઆતો સફળ બની છે. એસટી બસ માટે કાયમી કાર્ડ અપાશે જે દર વર્ષે રિન્યુ નહીં કરવા પડે. દિવ્યાંગ વ્યક્તિની આવક મર્યાદાની જેગવાઇ પણ રદ કરાઈ છે. આ ઉપરાંત એસ.ટી.ની વોલ્વો, લકઝરી સહિતની તમામ બસમાં મફત મુસાફરીનો લાભ દિવ્યાંગોને મળશે.
• ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણ ઉદ્યોગપતિના મૃત્યુઃ મોરબીના પીપળિયા ચોકડી પાસેના બરવાળા ગામ પાસે ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણ ઉદ્યોગપતિ અશોકભાઈ ઉઘરેજા, ચંદુભાઈ ચાડમિયા અને વિઠ્ઠલભાઈ ધાનજાના મૃત્યુ નીપજ્યા હતા.
• ક્રિષ્નરાજને ન્યુકસલ યુનિ.ની મરીન મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રીઃ જામગનરના ક્રિષ્નરાજ જીતુભાઈ બાબુભાઈ લાલે લંડનની ન્યુકસલ યુનિવર્સિટીમાંથી મરીન ટ્રાન્સપોર્ટ વિથ મેનેજમેન્ટ કોર્સમાં માસ્ટરની ડિગ્રી ડિસ્ટિંગ્શન સાથે પ્રાપ્ત કરી છે. આ યુનિ.ના પદવીદાન સમારંભમાં ખાસ પ્રવચન માટે પણ ક્રિષ્નરાજની પસંદગી થઈ હતી. એમ.એસ.સીની ડિગ્રી પ્રાપ્ત કરવા સાથે યુનિ. દ્વારા તેને આ વિષયમાં વધુ સંશોધન કરવા પીએચ.ડીના અભ્યાસ માટે પણ માન્યતા મળી છે. ક્રિષ્નરાજ લાલે ગ્રેજ્યુએશન દિલ્હીમાંથી પૂર્ણ કર્યું હતું. ત્યાં યુનિવર્સિટીના સ્ટુડન્ટસ યુનિયનમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવું પદ પ્રાપ્ત કર્યું હતું.
• માતાને ભરણપોષણ ચૂકવી ન શકનાર દીકરો સળગી મર્યોઃ ત્રણ પુત્રો પાસેથી દર મહિને રૂ. ૭૦૦-૭૦૦નું ભરણપોષણ લેતી માતાના ત્રણ પૈકીનો વચેટ પુત્ર મનસુખ તેની નબળી આર્થિક હાલતને લીધે છેલ્લા આઠેક મહિનાથી ચડી ગયેલી રૂ. ૫૯૦૦ની રકમ ન ચૂકવી શકાતાં રાજકોટની સેશન્સ કોર્ટ નજીક સૂકાં ઝાડીઝાંખરામાં ભરાઇને શરીરે દીવાસળી ચાંપીને જીવતો સળગ્યો હતો. અગાઉ ત્રણેય પુત્રો સામે કોર્ટમાં ગયેલી માતાએ આ વચેટ પુત્ર દ્વારા ભરણપોષણની બાકી રકમ ન ચૂકવાતાં કોર્ટ અરજી કરી હતી. જેની મુદતમાં જસદણ પાસેના સાણથલી ગામે રહેતા મનસુખ ગણાત્રા (૪૦) પોતાના પાંચ અને આઠ વર્ષના બે માસૂમ પુત્રોને લઇને રાજકોટ કોર્ટમાં આવ્યો હતો.
• નદીમાં ડૂબી જવાથી સાવરકુંડલાના બે સગાભાઈના મૃત્યુઃ ઊનાના ગીરગઢડા તાલુકાના જશાધાર (ગીર) ગામે શાદીના પ્રસંગમાં આવેલા સાવરકુંડલાના બે સગાભાઈ ૧૮ વર્ષના સમીર સુમારભાઈ ઝાખરા અને ૧૪ વર્ષના જાવેદના નદીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હતા.
• મુંબઈ-ભાવનગર વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂઃ ૨૦મી એપ્રિલથી મુંબઈ-ભાવનગર વચ્ચે એર ઇન્ડિયા ફ્લાઇટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પહેલાં ખાનગી કેરિયર જેટ એરવેઝે આ રૂટ પર ફ્લાઇટ ચલાવવી આર્થિક રીતે પરવડે તેમ ન હોવાનું કારણ આપીને રૂટ બંધ કર્યો હતો. હવે રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયાની પેટાકંપની એલાયન્સ એર દ્વારા આ નવી ફ્લાઇટનું સંચાલન કરાયું છે. આ ફ્લાઇટ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ સપ્તાહના ચાર દિવસ બન્ને શહેર વચ્ચે ઉડાન ભરશે.
