આન-બાન-શાન સાથે ૬૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Tuesday 26th January 2016 16:00 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયે દેશના ૬૭મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. પાટનગર દિલ્હીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દના મુખ્ય મહેમાનપદે રાજપથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવીને સશસ્ત્ર દળોની સલામી ઝીલી હતી. 

ભારતમાં પાટનગર દિલ્હી સહિત દેશના તમામ રાજ્યો અને નાના-મોટા નગરોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી તો વિદેશમાં ભારતીય દૂતાવાસ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને કરેલા પ્રવચનનું વાંચન પણ કરાયું હતું.
દિલ્હીમાં યોજાયેલા ભવ્ય સમારોહના પ્રારંભ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અહીંથી તેઓ રાજપથ પર પહોંચ્યા હતા અને પ્રધાન મંડળના સાથીદારો સહિત દેશના ટોચના નેતાઓ સાથે સમારોહમાં સામેલ થયા હતા.
સમારોહના પ્રારંભે દેશના રક્ષણ કાજે અદમ્ય સાહસનો જુસ્સો દર્શાવનાર સૈનિકોને શૌર્ય પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. સન્માન સમારોહ બાદ દેશની ત્રણેય લશ્કરી પાંખના જવાનોની ટુકડીઓએ મિસાઇલ, ટેન્ક, રોકેટ લોન્ચર સહિતના અત્યાધુનિક શસ્ત્રસરંજામ સાથે માર્ચ પાસ્ટ યોજી હતી.
બાદમાં રાજપથ પર દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો રજૂ થયા હતા. જેમાં જે તે દેશની વિશેષતાઓને રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ટેબ્લોમાં આ વખતે ગીર અભ્યારણ્યને કેન્દ્રમાં રાખીને એશિયાટિક સિંહોની ઝલક રજૂ કરાઇ હતી. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયોની પણ ઝાંખી રજૂ કરાઇ હતી.
પરેડમાં ત્રણેય સેનાના બેન્ડે રાજપથ પર દેશભક્તિના ગીતોની ધુન સાથે માર્ચ પાસ્ટ કરી હતી. જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો તેમની કેમલ રેજીમેન્ટ સાથે પરેડમાં જોડાયા હતા. તો સ્નીફર ડોગની એક ટીમ પણ પરેડમાં જોવા મળતી હતી.
ભારતની લશ્કરી તાકાતથી માંડીને બહુવિધ સંસ્કૃતિની ઝલક રજૂ કરતી પરેડનું આ વખતે સૌથી વિશેષ આકર્ષણ ફ્રાન્સની સૈન્ય ટુકડી હતી. દેશના પ્રજાસત્તાક પર્વની પરેડમાં પહેલી વખત કોઇ વિદેશી સૈન્ય ટુકડી જોડાઇ હતી.
લોખંડી સુરક્ષા બંદોબસ્ત
પ્રજાસત્તાક પર્વે આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને પાટનગર સહિત દેશભરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાક પર્વે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું જાહેર થતાં જ આઇએસ સહિતના આતંકવાદી જુથોએ હુમલાની ધમકી ઉચ્ચારી હતી. જોકે કોઇ અનિચ્છનીય ઘટના વગર સમારોહ સંપન્ન થતાં વહીવટી તંત્રે રાહતની લાગણી અનુભવી હતી.


comments powered by Disqus