નવી દિલ્હીઃ અતિ પવિત્ર ગંગા નદી અતિશય પ્રદૂષિત હોવાનું સૌથી મોટું કારણ તેમાં વહેતા મુકાતા મૃતદેહો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાઓ પ્રમાણે માત્ર વારાણાસી જ ગંગાને દર વર્ષે ૩ લાખ માનવ મૃતદેહોની ભેટ આપે છે.
ગંગા નદીમાં વ્યક્તિનો મૃતદેહ વહેવડાવી દેવાથી જીવને મોક્ષ મળે છે એવી પૌરાણિક માન્યતા આ નુકસાનકારક પ્રથા પાછળ કારણભૂત છે. કાશી આવતા લોકો પોતાના સ્વજનોનું અવસાન થયા બાદ તેમની અંતિમક્રિયા કરવાને બદલે શરીરને નદીમાં વહેતા મૂકી દે છે. દિન-પ્રતિદિન વધતી લાશો ગંગાને પ્રદૂષિત કરે છે. માનવ-લાશો સિવાય પણ ગંગામાં ભળતા પ્રદૂષણનો પાર નથી. પશુઓના અંદાજે ૬૦૦૦ મૃતદેહો ગંગામાં ભળે છે. આ મૃતદેહો ગંગાના પાણી ઉપરાંત કાંઠા વિસ્તારની હવા પણ અશુદ્ધ કરે છે. જાન્યુઆરી ૨૦૧૫માં કાનપુર પાસે ૧૦૦થી વધારે માનવ-લાશો તરતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી ટ્રિબ્યુનલે તપાસ આદરી હતી. એ તપાસમાં આ વિગતો સામે આવી છે.

