નવી દિલ્હીઃ આ વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતના પાંચ મહાનુભાવોને તેમના વિશિષ્ટ પ્રદાન અને સેવાઓ માટે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. જેમાં ભીખુદાન ગઢવી, ડાહ્યાભાઇ શાસ્ત્રી, ડો સુધીર શાહ અને દિલીપભાઇ સંઘવીને પદ્મશ્રીથી નવાજાયા છે. સ્વ. ધીરુભાઇ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.
ધીરુભાઇ અંબાણી
દેશના જાણીતા ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક સ્વ ધીરુભાઇ અંબાણીની એક ઓળખ ગૌરવવંતા ગુજરાતીની પણ છે. ભારતની ઔધોગિક ઓળખ વિશ્વમાં પ્રસ્થાપિત કરનારા તેઓ એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ બની રહ્યા. દેશમાં અને વિદેશમાં તેમની ઉદ્યોગોની સ્થાપના, સંચાલન, વહીવટ અને ઉત્તરોતર વિકાસ અંગેના ખ્યાલો અદભુત હતા. ઔદ્યોગિક પારંપરિક માન્યતાઓમાં ધરમૂળ ફેરફાર લાવીને તેમણે એક આગવી પરંપરા ઊભી કરી હતી. તેમની ઉદ્યોગો અંગેની બારીક સમજ અને સંચાલનની શ્રેષ્ઠતા ઉદાહરણીય છે.
ભીખુદાન ગઢવી
ભીખુદાન ગઢવી જાણીતા લોક ગાયક, વાર્તાકાર, કથાકાર તરીકે ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે.
લોક સાહિત્ય અને તેની પરંપરાઓને જીવંત રાખીને તેના બહોળા પ્રચાર અને પ્રસાર અર્થે તેઓનું એક આગવું પ્રદાન છે. તેમણે અનેક ભાતીગળ લોકકથાઓ અને તેનાં પાત્રોને આબેહૂબ રીતે લોકો સમક્ષ રજૂ કર્યાં છે. તેઓએ લોક સાહિત્યને સમૃદ્ધ કરવા આપણા પ્રાચીન વારસાનો અદભુત ઉપયોગ
કર્યો છે.
ડો સુધીરભાઇ શાહ
સુધીર શાહ અમદાવાદના જાણીતા ન્યુરોલોજિસ્ટ છે. કે એમ સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજયૂએટ મેડિસીન એન્ડ રિસર્ચ તથા વી એસ હોસ્પિટલમાં તેઓ ન્યુરોલોજીના પ્રોફેસર છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી આ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહયા છે. હાલમાં તેઓ ન્યુરોલોજી અંગેના વિવિધ સંશોધનો સાથે સંકળાયેલા છે.
દિલીપભાઇ સંઘવી
દિલીપ સંઘવીએ છેલ્લા ૧૦ વર્ષમાં મેડિસીન ઇન્ડસ્ટ્રીમાં આગવી સૂઝથી નામના ઊભી કરી છે. કલકત્તામાં શિક્ષણ અને વેપારનું પ્રાથમિક જ્ઞાન લઇને ગુજરાતમાં આવેલા ઔધોગિક શહેર અંકલેશ્વર ખાતે નાના પાયે દવાનું ઉત્પાદન શરૂ કરીને દવા ક્ષેત્રે તેમણે વિશાળ સામ્રાજય ઉભું કર્યું છે.
ડાહ્યાભાઇ શાસ્ત્રી
બ્રહ્મશ્રી સંસ્કાર ધામ નડિયાદના સંસ્થાપક, સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડીના અધ્યક્ષ, વિશ્વ હિંદુ પરિષદના સંરક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એવા ડાહ્યાભાઇ શાસ્ત્રી ૨૦૧૫નો ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ રાજયપાલને હસ્તે મેળવી ચૂકયા છે. તેઓ સ્ત્રી સશક્તિકરણ માટે હંમેશા કાર્યરત રહ્યા છે. તેમણે પ્રાચીન ભાષા સંસ્કૃતને જીવંત રાખવા માટે સંસ્કૃત પરંપરાઓના પ્રહરી તરીકેની ભૂમિકા ભજવી છે.

