લંડનઃ શોષણ અને અન્યાયનો સામનો કરી ન્યાય માટે ૧૫ વર્ષ લડત આપ્યા પછી પણ ગુનેગાર માત્ર ડિમેન્શીઆ કે માનસિક બીમારીના કારણે સજામાંથી બચી જાય તો કેવો આઘાત લાગે? આવી જ એક ઘટનામાં ૧૫ વર્ષ અગાઉ સાત અને નવ વર્ષની બે બહેનોનું જાતીય શોષણ કરનારા એન્ફિલ્ડના ૮૮ વર્ષીય કથિત શોષણખોર પ્રબોધ શુક્લા માત્ર ડિમેન્શીઆના કારણે જેલની સજામાંથી બચી ગયા છે.
અત્યારે ૨૩ અને ૨૫ વર્ષની વય ધરાવતી પૂજા શાહ અને સીતા શાહે (બન્ને નામ બદલ્યાં છે) તેમના કથિત શોષણખોરને કોર્ટ સુધી ઘસડી લાવવામાં ભારે હિંમત દર્શાવી હતી, પરંતુ તેને સજા અપાવી શક્યા નથી. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રબોધ શુક્લા ડિમેન્શીઆગ્રસ્ત હોવાથી ટ્રાયલનો સામનો કરી શકે તેવી હાલતમાં નથી. આના પરિણામે, સપ્ટેમ્બરમાં ચાર દિવસની હકીકતદર્શક ટ્રાયલ ચલાવાઈ હતી, જેમાં જ્યુરીએ સર્વાનુમતે ઠરાવ્યું હતું કે, ‘તેમણે આરોપમાં દર્શાવેલી તમામ પ્રવૃત્તિ આચરી હતી.’
‘એન્ફિલ્ડ ઓવર ફિફ્ટીઝ ફોરમ’ના ૮૮ વર્ષીય પૂર્વ ખજાનચી સામે પૂજા અને સીતા સાથે અશોભનીય આચરણ અને અશિષ્ટ હુમલાના આરોપ હતા. જોકે, હેરિન્ગેમાં રહેતી પૂજા અને એન્ફિલ્ડમાં રહેતી સીતા માટે કોર્ટનો ચુકાદો કડવાશપૂર્ણ છે. કલંકપૂર્ણ રહસ્ય સાથે ૧૫ વર્ષ જીવ્યાં પછી તેઓ આરોપો સિદ્ધ થયાની હળવાશ અનુભવે છે, પરંતુ શુક્લાને છોડી દેવાતા હૃદયને ઘા પણ વાગ્યો છે.
તેમણે સીતા સાથે પ્રથમ વખત ખરાબ આચરણ કર્યું ત્યારે તે માત્ર સાત વર્ષની હતી. આજે ૨૫ વર્ષની સીતાએ કહ્યું હતું કે, ‘હું જાણતી હતી કે તે ખરાબ હતું. એક વખત તો તેણે લોકોની હાજરીમાં આમ કર્યું હતું - તેને કોઈ ભય ન હતો - પણ આવું સમજવા હું ઘણી નાની હતી. મેં મારી બહેનને કહ્યું અને મમ્મી અને પપ્પાને કહેવા માગતી હતી, પણ ગભરાયેલી બહેને મને અટકાવી હતી. અમે તેને ભારતમાં જોયો અને તેણે મંદિરમાં જ આમ કર્યું તેથી હું બોલી હતી.’
આ સમયે તેમની આઘાતગ્રસ્ત માતા નવ અને ૧૧ વર્ષની બાળાઓને લઈ પોલીસ સ્ટેશને ગઈ હતી, પરંતુ પૂજા ડરેલી હોવાથી કશું બોલી શકી નહિ. છોકરીઓને વધુ તણાવથી બચાવવા પરિવારે આગળ કશું કર્યુ નહિ, પરંતુ અગ્નિપરીક્ષા ખતમ થઈ ન હતી. સીતાએ એક વખત શાળાની રિસેસમાં તેને પોતાને ટીકી ટીકીને જોતા નિહાળ્યો હતો અને તે ભારે તણાવમાં આવી ગઈ હતી. વર્ષો વીતતાં ગયાં અને બન્ને બહેનો પોતાની રીતે જ રહસ્યનો સામનો અલગ પ્રકારે કરતી રહી હતી.
તેમની માતાએ જણાવ્યું હતું કે,‘આનાથી અમારું જીવન તબાહ થઈ ગયું છે. બન્ને બહેનો ખૂશમીજાજી હતી, ભવિષ્ય માટે તેમની ઘણી યોજનાઓ હતી. પરંતુ પરિવાર તરીકે તમારું જીવન ખોરવાઈ જાય છે અને તમામ બાબતો તાણમાં આવી જાય છે.’ જોકે, તેમની પિતરાઈ તેની સાથે પણ આમ થયાનું કહેવા આગળ આવી ત્યારે બન્ને બહેનોમાં પોલીસ સમક્ષ જઈ તેને કોર્ટ સમક્ષ લઈ જવાની હિંમત આવી હતી.
પૂજાએ કહ્યું કે,‘આ ટ્રાયલ નરકસમાન અને ભયાનક હતી. એક સપ્તાહમાં આખુ વર્ષ જીવાઈ ગયું. મને મારી બહેન થકી આગળ જવાની હિંમત મળી, અમે એકબીજાને પ્રેરણા આપતાં હતાં. તેના અને મારી કઝીન પર શું વીત્યું હતું તે કોર્ટમાં સાંભળવાનું પણ દર્દનાક હતું. જોકે, અમે આ કરી શક્યાં તેનો મને આનંદ છે.’
જજે પ્રબોધ શુક્લાને ૧૬ વર્ષથી નાના બાળક સાથે તેમના પેરન્ટ્સ કે વાલીની હાજરી વિના એક ખંડમાં રહેવાનો કે આવા બાળક હોય તેવા મકાનમાં રાત ગુજારવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં સહી પણ કરવી પડી હતી. જોકે, આ ચુકાદાએ બે બહેનોને થોડી રાહત પણ આપી છે. પૂજાએ કહ્યું હતું કે,‘તેને દોષિત જાહેર કરાતા વિચિત્ર રાહત અનુભવી હતી. અમને લાગે છે કે તેને જેલ નહિ થવાથી અમને પૂરતો ન્યાય મળ્યો નથી. તે બહાર છે. તે લાઈબ્રેરી કે ઈચ્છે ત્યાં જઈ શકે છે. તે વિકૃત છે અને હજુ ધમકીરૂપ છે. આ ન્યાયી નથી.’
ટ્રાયલ સમાપ્ત થઈ છે ત્યારે જીવન સમથળ ચાલે તેવી આશા છે. પૂજાના લગ્ન થઈ ચુક્યા છે અને એક બાળકને જન્મ પણ આપ્યો છે. સીતા યુનિવર્સિટીમાં બાયોમેડિસિનનો અભ્યાસ કરે છે અને ડોક્ટર થવાની હોંશ છે. સીતા કહે છે,‘હું બદલાઈ ગઈ છું. કોઈનો વિશ્વાસ કરતી નથી અને ઘણી સાવચેત રહું છું. આજે પણ મારા બોયફ્રેન્ડ પર ઝડપથી ગુસ્સે થઈ જાઉં છું.’
તેમણે અન્ય પીડિતો શરમ-સંકોચ વિના આગળ આવવા પ્રેરિત થાય તે માટે આ બધું કહેવાનું પસંદ કર્યું છે. ભારતીય સમુદાયમાં આ વિશે ઓછી વાત થાય છે, પરંતુ બન્ને બહેનો આ વલણ બદલવા લડત આપવા તૈયાર છે. સીતા કહે છે,‘આપણા સમુદાયમાં લોકો આવી બાબતો પર વાત કરતા નથી. યૌનશોષણના અસરગ્રસ્તો સાથે કોઈ લગ્ન નહિ કરે તેમ લોકો માને છે, પરંતુ આમાં શરમાવા જેવું કશું નથી. દરેક કોમ્યુનિટીમાં આવું થાય છે. કોઈએ તો જાતીય શોષણખોરોનો સામનો કરવો પડશે. આપણે આવા લોકોને છોડી દેવા ન જોઈએ. તમે એકલા નથી-તમે કશું ખોટું કર્યું નથી. આ તમારી ભૂલ નથી. અમે નસીબદાર છીએ કે અમારા પેરન્ટ્સે અમારામાં વિશ્વાસ કર્યો અને ઘટનાને નજરઅંદાજ ન કરી. એટલું યાદ રાખો કે તમે બોલશો તો અમારે જે સહન કરવું પડ્યું તેમાંથી બીજાને બચાવી શકશો- આ જ વાત મહત્ત્વની છે.’
બીજી તરફ, પ્રબોધ ડી. શુક્લા વતી ટિપ્પણી કરતા તેમના પ્રવક્તાએ ઇમેઇલ દ્વારા જણાવ્યું છે કે, 'કોર્ટે નિર્ણય લીધો હતો કે નબળી તબિયતના કારણે મિ. શુક્લા ટ્રાયલનો સામનો કરવા સક્ષમ નથી. આનો અર્થ એ કે ટ્રાયલ ઓફ ફેક્ટ્સમાં ઘટનાઓ સંબંધે એક જ પક્ષને સાંભળવામાં આવ્યો હતો. આથી, મિ. શુક્લાને પોતાનો પક્ષ રજૂ કરવાની અને આક્ષેપોનો બચાવ કરવાની તક મળી ન હતી. મિ. શુક્લા તમામ આક્ષેપોને ભારપૂર્વક નકારી કાઢે છે અને તેમનો સમગ્ર પરિવાર તેમના ટેકામાં ખડો છે.’

