નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૧૯મી જન્મજયંતિએ તેમની સાથે સંકળાયેલી ૧૦૦ ગુપ્ત ફાઇલની ડિજિટલ નકલો જાહેર કરી હતી. જોકે ૭૦ વર્ષ, ૩ તપાસપંચ અને ૧૦૦ ફાઈલો ખૂલી છતાં નેતાજીના મૃત્યુ અંગે હજી રહસ્ય અકબંધ છે એવું કેટલાક રાજકીય તજજ્ઞોનું માનવું છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાએ દર મહિને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલી ૨૫ ગુપ્ત ફાઇલ જાહેર કરવાની યોજના બનાવી રહી છે. ઓક્ટોબર ૨૦૧૫માં મોદી નેતાજીના પરિવારજનોને મળ્યા હતા અને જાહેરાત કરી હતી કે ૭૦ વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલા નેતાજીને સંબંધિત ગુપ્ત ફાઇલો સરકાર જાહેર કરશે. નેતાજીને સંબંધિત ગુપ્ત ફાઇલો જાહેર કરવાના સરકારના પગલાને તેમના પરિવારજનોએ વધાવી લીધું હતું.
નેતાજીને સંલગ્ન ફાઇલ જાહેર થવાના પ્રસંગે તેમના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝે આ અંગે જણાવ્યું હતું કે, આ ભારતનો પારદર્શકતાનો દિવસ છે. પરિવારે ફાઇલોના અભ્યાસ માટે સમિતિની રચના કરવા સૂચન કર્યું હતું.
નેતાજીની ગુપ્ત ફાઇલો જાહેર થતાંની સાથે જ વિવાદો શરૂ થઇ ગયા છે. એક ફાઇલમાં જણાવ્યા અનુસાર નહેરુએ નેતાજીને યુદ્ધઅપરાધી ગણાવ્યા હતા. આ કથિત પત્રને કારણે કોંગ્રેસ છંછેડાઈ ઊઠી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, નહેરુ અને કોંગ્રેસની છબી ખરડવા માટે બનાવટી દસ્તાવેજને ગુપ્ત ફાઇલનું નામ અપાયું છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, જે રીતે મોદીએ આ બધી ફાઇલ જાહેર કરી છે તેનાથી સરકારના ઇરાદા પર શંકા છે. કોંગ્રેસ આ પત્રને બનાવટી માને છે, પાર્ટી જવાબદાર લોકો સામે પગલાં લેશે.
આઝાદીના નાયકોમાં મતભેદ સર્જવા ફાઇલો જાહેર: નીતિશ
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે આ અંગે જણાવ્યું હતું કે, આઝાદીની લડાઇમાં જેમની કોઇ ભૂમિકા નથી તેઓ આઝાદીના નાયકોમાં સંઘર્ષ કરાવવા નેતાજીની ગુપ્ત ફાઇલો જાહેર કરવા ઇચ્છે છે.
નેતાજીને રાષ્ટ્રનેતાનો દરજ્જો આપો: મમતા બેનરજી
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, નેતાજીને રાષ્ટ્રીય નેતાનો દરજ્જો અપાવો જોઇએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે તો નેતાજી રાષ્ટ્રનાયક છે. નેતાજી અંગેની ગુપ્ત ફાઇલો સૌથી પહેલાં અમે જાહેર કરી હતી.
નેતાજી અસામાન્ય સાહસ ધરાવતા દેશભક્ત: રાહુલ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ અપ્રતિમ સાહસ ધરાવતા દેશભક્ત નેતા હતા. આઝાદીની લડાઇમાં નેતાજીએ આપેલું યોગદાન આપણને હંમેશાં પ્રેરણા આપતું રહેશે.
ગુપ્ત ફાઈલો જાહેર થયાના બે દિવસમાં ચંદ્ર બોઝ ભાજપમાં
ગુપ્ત ફાઇલો જાહેર કર્યાના બે દિવસ પછી એટલે કે ૨૫મી જાન્યુઆરીએ સુભાષ ચંદ્રના પ્રપૌત્ર ચંદ્ર બોઝ ભાજપમાં જોડાઇ ગયા છે. પશ્ચિમ બંગાળમાં થોડાક સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની હોવાથી ચંદ્ર બોઝના ભાજપમાં જોડાવાના નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણાવાયો છે. ભાજપ પ્રમુખ અમિત શાહની હાજરીમાં ચંદ્ર બોઝ ભાજપમાં જોડાયા હતાં. હાવરામાં એક સભાને સંબોધતા તેમણે મમતા બેનર્જીની સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ફક્ત ચિટ ફંડ ઇન્ડ્રસ્ટીનો જ વિકાસ થયો છે.
કેટલી ફાઇલોમાં છે નેતાજીના રહસ્ય
• ૧૦૦ ગુપ્ત ફાઇલો જાહેર કરાઈ. • ૩,૦૦૦ ફાઇલ નેશનલ આર્કાઇવ્ઝ પાસે. • ૪૧ ગુપ્ત ફાઇલ પીએમઓ પાસે હતી. • ૩૩ પીએમઓ પાસેની ફાઇલ જાહેર કરાઈ. • ૨૫ ફાઇલ દર મહિને જાહેર કરાશે. • ૦૫ ફાઇલ અંગે પીએમઓ કશું કહેવા તૈયાર નથી. • ૦૩ નેતાજીનાં પત્ની-દીકરીની ફાઇલ અત્યંત ગુપ્ત. • ૧૦ ફાઇલમાં નેતાજીના ગુમ થવા અંગે ઉલ્લેખ. • ૬૪ ફાઇલ પશ્ચિમ બંગાળે જાહેર કરી હતી.
શું થયું હતું ૧૯૪૫માં
• ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં જાપાને ગઠબંધન સેના સામે ઘૂંટણ ટેકવી દીધા.
• નેતાજીની સેનાએ પણ ૪૦ હજાર જવાનો સાથે શરણે આવવું પડયું.
• ઓગસ્ટ ૧૯૪૫માં નેતાજી રંગુનથી બેંગકોક, સિંગાપુર અને વિયેટનામ ગયા.
• વિયેતનામના સાયગોનમાં મોટાભાગનો ખજાનો છોડી દીધો.
૧૮ ઓગસ્ટે તાઇવાન માટે વિમાનમાં રવાના થયા. માર્ગમાં જ વિમાન ક્રેશ થઈ ગયું.

