અમદાવાદઃ દેશવિદેશમાં નૃત્યકાર તરીકે ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના મૃણાલિનીબહેન સારાભાઈનું લાંબી બીમારી બાદ ૯૭ વર્ષની જૈફ વયે ૨૦મી જાન્યુઆરીએ દુઃખદ અવસાન નીપજ્યું હતું. અને પુત્રી મલ્લિકાએ તેમને નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને મૃણાલિની બહેને અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો હતો. ૧૯૪૯માં તેમણે નૃત્યશાળા 'દર્પણ'ની સ્થાપના કરી હતી અને શાસ્ત્રીય નૃત્યની ધૂણી ધખાવી હતી. ભરતનાટયમ શૈલીના વિવિધ પ્રકારો અને કથકલી નૃત્યની તાલીમ આપવાનો પ્રારંભ અમદાવાદમાં તેમણે ઉત્સાહપૂર્વક કર્યો હતો અને તેમાં તેમને કથકલી નૃત્યના ગુરુ ચાતુની પાનીકરનો પણ સહયોગ મળી રહ્યો હતો.
શિષ્યોમાં 'અમ્મા'નાં નામે ઓળખાતાં મૃણાલિનીબહેને માત્ર શાસ્ત્રીય નૃત્યો જ નહીં ગુજરાતના લોકનૃત્યોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. ‘દર્પણ’માં નૃત્યની આરાધના સાથે તેઓ સામાજિક સેવાના કાર્યો પણ કરતાં હતાં.
શાસ્ત્રીય નૃત્યાંગના અને એક્ટિવિસ્ટ મલ્લિકા સારાભાઈના માતુશ્રી એવા મૃણાલિનીબહેનને ભારત સરકાર તરફથી ૧૯૬૫માં પદ્મશ્રી અને ૧૯૯૨માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ ભારતના એકમાત્ર એવાંશાસ્ત્રીય નૃત્યાંગના હતા જેમણે ૧૮૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓને ભરત નાટયમ્ તેમજ કથકલી નૃત્યની તાલીમ આપી હતી.
મૃણાલિની સારાભાઇ નૃત્યકારની સાથે એક સ્વાતંત્ર્ય સૈનાની પરિવારના સભ્ય હતાં. તેમના માતા અમ્મુ સ્વામીનાથન ભારતની આઝાદીની લડાઇમાં સક્રિય હતા. જ્યારે તેમના મોટા બહેન કેપ્ટન લક્ષ્મી સહેગલ, સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિંદ ફોઝ'ની મહિલા વિંગના કમાન્ડર ઇન ચીફ હતા.

