લંડનઃ બગાસું ખાતાં પતાસું મળે એ કહેવત કદાચ આવા જ કિસ્સાઓ માટે બની હશે. ઇંગ્લેન્ડના ડેવનશાયર સબર્બમાં રહેતા કેપ્ટન લિડેલના વારસદારોને વારસામાં ઘણીબધી ચીજવસ્તુઓ મળેલી હતી. જોકે જૂનીપુરાણી વસ્તુઓમાં કોને રસ પડે એમ માનીને એક પટારામાં ધરબાયેલી એ તમામ ચીજો વર્ષોથી તેના ઘરમાં ધૂળ ખાતી પડી હતી. થોડાક દિવસ પૂર્વે સાફસૂફી કરતી વખતે પરિવારને પટારામાંથી પોર્સલિનનું એક ચાઇનીઝ વાઝ મળી આવ્યું. વાઇટ અને બ્લુ રંગનું એ આકર્ષક વાઝ નોર્મલ કરતાં કંઈક ખાસ લાગ્યું એટલે એને ઝાપટ-ઝૂપટ કરીને સ્થાનિક ઓકશન-હાઉસ પાસે લઈ ગયા. ઓકશન-હાઉસના નિષ્ણાંતોએ ઝીણી નજરે ચકાસીને કહ્યું કે મિસ્ટર, તમને ખબર નથી કે કેવી કીમતી વસ્તુ તમારે હાથ લાગી છે, આ વાઝ ૧૮મી સદીનું છે અને અત્યારે એની કિંમત એટ લીસ્ટ ૧.૫ મિલિયન પાઉન્ડ ઊપજે એમ છે. અને ખરેખર એવું જ થયું. ખરેખર તો એ વાઝ ૧૯મી સદીમાં બ્રિટિશ રોયલ આર્મીમાં ફરજ બજાવતા એક તબીબ પાસેથી આ પરિવારના પૂર્વજ પાસે આવેલું હતું.

