લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ જાન્યુઆરીએ લખનઉમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને સ્ટુડન્ટ્સને ડિગ્રીઓ એનાયત કરી હતી, પણ સ્ટેજ પર જ્યારે ડિગ્રી લેવા માટે ૧૬ વર્ષની સુષમા વર્મા આવી ત્યારે મોદી પણ તેની સિદ્ધિઓ સાંભળીને વારી ગયા હતા.
૨૦૦૦માં ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી સુષમા જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે તેને સ્કૂલમાં સીધી નવમા ધોરણમાં મૂકવામાં આવી હતી અને ૨૦૦૭માં તે દસમા ધોરણમાં પાસ થતાં લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી હતી. માત્ર સાત વર્ષની ઉંમરે તે દસમા ધોરણમાં પાસ થઈ હતી. તેણે ૨૦૧૦માં બારમા ધોરણની પરીક્ષા પાસ કરી દીધી હતી અને પછી જપાનના પ્રવાસે ગઈ હતી જ્યાં અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવતા લોકોને તેણે હરાવી દીધા હતા. સુષમાને ડોક્ટર બનવું હતું પણ ઉત્તર પ્રદેશ સરકારે તેને આ માટે ટેસ્ટ આપતાં રોકી દીધી હતી. એથી હતાશ થયા વિના તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી ૨૦૧૩માં ગ્રેજ્યુએશન કરી લીધું હતું અને તે દેશની યંગેસ્ટ ગ્રેજ્યુએટ બની હતી. એ જ સમયે તેણે પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી હતી અને આ વર્ષે તે માઇક્રોબાયોલોજીમાં માસ્ટર્સ ઇન સાયન્સ થઈ છે.
નવાઈની વાત એ છે કે તેનાં મમ્મી કે પપ્પા ભણેલાં નથી. તેના પપ્પા તેજ બહાદુર આ યુનિવર્સિટીમાં સફાઈ કામદાર છે. તેનો મોટો ભાઈ શૈલેન્દ્ર પણ અસામાન્ય બુદ્ધિ ધરાવે છે. ૧૪ વર્ષની ઉંમરે તે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થયો હતો અને અત્યારે બેન્ગલોરમાં માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કરી રહ્યો છે. તેની ત્રણ વર્ષની નાની બહેન પણ હવે સુષમાના રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહી છે.

