સોમનાથના સાનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની ઊજવણી

Wednesday 27th January 2016 06:46 EST
 
 

વેરાવળ: ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં  દેશના ૬૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ૨ ૬મી જાન્યુઆરીએ સવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને રાજ્યપાલ ઓ. પી. કોહલીની હાજરીમાં યોજાઈ હતી.
સોમનાથ બાયપાસ ચોકડી પાસે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં આ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લા કક્ષાનાં ૩૫ ટેબલો પ્રદર્શિત કરાયા હતા અને પોલીસ અને સુરક્ષાદળોના બે હજારથી વધુ જવાનો પરેડમાં જોડાયા હતા અને પોલીસ અને સુરક્ષા દળનાં જવાનોએ કાર્યક્રમમાં અદભુત રોમાંચક બાઇક સ્ટંટનું પ્રદર્શન રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર અશ્વ શો રહ્યો હતો. આ ઉપરાંત ડોગ શો પણ રજૂ થયો હતો અને ભાતીગળ દાંડિયા રાસ ગરબી સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાનના ભાષણમાં શિક્ષણપ્રધાન ઊંઘતા ઝડપાયાં
ગણતંત્ર દિનની વેરાવળમાં ઉજવણીની પૂર્વસંધ્યાએ મુખ્યપ્રધાને ઉના ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ કરીને ભાષણ આપ્યું હતું. તે સમયે ઉના ખાતેના એક કાર્યક્રમમાં તેમના ભાષણમાં રાજ્યકક્ષાનાં પ્રધાન વસુબહેન ત્રિવેદી ઊંઘતાં ઝડપાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઉના અને ગિરગઢડા ખાતે બનેલા સેવા સદન, પાણી પુરવઠા, ફાયર સ્ટેશનનાં રૂ. ૧૮.૯૯ કરોડનાં કામોનું મુખ્યપ્રધાને ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે વિશાળ મહિલા સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધન કર્યું હતું.


comments powered by Disqus