પતિ: લગ્ન સમયે તેં મહારાજ અને આખા સમાજ વચ્ચે સ્વીકાર્યું હતું કે તું મને માન આપીશ, મારી દરેક વાત માનીશ.... પત્ની: તો શું એટલા બધા લોકો સામે તારી સાથે વિવાદમાં ઉતરું.
•
પેશન્ટઃ મેં તમને કહ્યું હતું કે, મારા ઉપરના દાંતમાં કીડા પડ્યા છે અને દાંત સડી રહ્યો છે, તો તમે નીચેનો દાંત કેમ પાડી નાખ્યો?
ડોક્ટર (થોડું વિચારીને)ઃ મેં જ્યારે ચેક કર્યું ત્યારે જોયું કે, કીડો નીચેના દાંત પર ઊભો રહીને ઉપરનો દાંત ખોતરતો હતો. હવે હું પણ જોઉં છું કે, ક્યાં ઊભો રહીને ઉપરનો દાંત ખોતરે છે.
•
ભગા માસ્તરે પરીક્ષા માટે પેપર તૈયાર કર્યું. જોતાં જ બધા સ્ટુડન્ટ્સને પરસેવો વળી ગયો. પ્રશ્ન ખરેખર ‘મૂંઝવી’ દે તેવા હતા.
૧. ચીન કયા દેશમાં આવેલો છે?
૨. ૧૫ ઓગસ્ટ કઈ તારીખે આવે છે?
૩. રેડ કલરને કયો રંગ કહેવાય?
૪. ટામેટાને ગુજરાતીમાં શું કહેવાય?
૫. મુમતાઝની કબરમાં કોને દફનાવવામાં આવી હતી?
•
બંટીએ બબલુને પૂછ્યુંઃ ‘વાહ દોસ્ત, તારું શરીર તો એકદમ હેલ્ધી થઈ ગયું છે. શું દેશી ઘી ખાવાનું શરૂ કર્યું છે કે પ્રોટીન પાવડરની કમાલ છે?’
બબલુઃ અરે, એવું કંઈ નથી. આ તો ઠંડી બહુ છે એટલે શર્ટની અંદર સ્વેટર પહેર્યું છે.
•
ટીચરે આખા ક્લાસને પૂછ્યુંઃ છોકરાઓ, ન્યુટનના નિયમ વિશે કોઈને ખબર છે?
આખો ક્લાસ ચૂપ રહ્યો.
ટીચરઃ પિંટુ તું કહે બેટા...
પિંટુઃ મેમ, આખો નિયમ તો ખબર નથી પણ છેલ્લી લાઈન યાદ છે.
ટીચરઃ સારું વાંધો નહીં, છેલ્લી લાઈન તો કહે.
પિંટુઃ ...આને જ ન્યુટનનો નિયમ કહે છે.
•
પતિ-પત્ની જમવા બેઠા હતા.
પત્નીએ કહ્યુંઃ જરા રસોડામાંથી મીઠું લાવી આપોને!
પતિએ અંદર જઈને બૂમ પાડીઃ અહીંયા તો મીઠું છે જ નહીં.
પત્નીઃ તમે એકદમ કામચોર છો. એકેય કામમાં ઠેકાણા નથી. મને ખબર જ હતી કે તમને નહીં મળે. એટલા માટે જ હું મીઠું પહેલાં લઈને આવી હતી.
•
પતિ-પત્ની શાકમાર્કેટમાં શાક લેવા ગયાં હતાં. પત્ની વારંવાર શાકના ભાવતાલ અને તોલમાપમાં રકઝક કર્યા કરતી હતી. આથી કંટાળીને છેવટે પતિએ કહ્યું: બસ હવે જે લેવું હોય જલદી લઈ લે ને. મને ઓફિસ જવાનું લેટ થાય છે.
પત્ની: તમે વચ્ચે માથાકૂટ ના કરો. ઉતાવળમાં ને ઉતાવળમાં તમારા જેવા પતિ મળી ગયા. એકની એક ભૂલ વારંવાર ના કરાય.
•
પત્નીઃ હલો, ક્યાં છો તમે?
પતિઃ ગઈ દિવાળીમાં તને બજારમાં એક જ્વેલરને ત્યાં એક ડાયમંડ નેકલેસ ગમી ગયું હતું યાદ છે?
પત્નીઃ હા, યાદ છે ને..
પતિ: પણ તેની કિંમત ૨ લાખ હતી...
પત્નીઃ હા... હા...
પતિઃ એટલે મેં તને કહ્યું હતું કે, તને લઈ આપીશ..
પત્નીઃ હા...
પતિઃ હા બસ, બરાબર એની બાજુની દુકાનમાં વાળ કપાવવા બેઠો છું, આવતાં મોડું થશે.
•
યમરાજઃ બોલ તારી અંતિમ ઈચ્છા કઇ છે?
પપ્પુઃ તમે મારી ચા પીવો.
પપ્પુએ ચામાં ઊંઘની ગોળીઓ નાખી દીધી. યમરાજ સૂઈ ગયા. પપ્પુએ યમરાજ લિસ્ટમાં ચેકાચેકી કરીને પોતાનું નામ સૌથી નીચે લખી નાખ્યું.
ઊંઘમાંથી ઊઠતા જ યમરાજ બોલ્યા, ‘તેં મને ખુશ કર્યો. હવે હું લિસ્ટ નીચેથી જોવાનું શરૂ કરીશ.’
