ગુજરાતમાં દલિત સમાજ રસ્તા પર ઉતર્યો

Wednesday 27th July 2016 06:32 EDT
 
 

રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહેસાણાઃ મોટા સમઢિયાળામાં દલિતો પર ગુજારાયેલા અત્યાચારના વિરોધમાં દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધને પગલે ૨૦ જુલાઇએ સમગ્ર રાજ્યમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદારોના આંદોલન સમયે પ્રતિકાત્મક પગલાંને પરિણામે પોલીસે નાલેશી ભોગવવી પડી હતી. આથી, બુધવારે દલિત સમાજના વિરોધના સમયે પોલીસ કોઈ કાર્યવાહી કરવાને બદલે મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી હતી.
દલિત સમાજની મહિલાઓ પણ રસ્તા પર ઉતરી હતી અને ઠેર-ઠેર રસ્તા પર બેસી જઈને તેમણે ચક્કાજામ કર્યો હતો. પોરબંદર-જૂનાગઢ, વંથલી-જૂનાગઢ અને જૂનાગઢ-સોમનાથ હાઈવે, રાજકોટથી મોરબી, ગોંડલ, જામનગર, જેતપુર તરફ જતા માર્ગો, ભાવનગર શહેર અને જિલ્લામાં મુખ્ય માર્ગો પર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા હાઈવે માલપુર રોડ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ શહેરમાં મુખ્ય ચાર, પાલનપુર-ડીસા રોડ પર ચક્કાજામ કરાયો હતો.

બંધબારણે પીડિતોનાં નિવેદન

મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર પર થયેલા અત્યાચારની ઘટનાનાં રાજય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપતા રવિવારે ટીમે પરિવારનાં ઘરે પહોંચી બંધ બારણે નિવેદનો લીધા હતાં. સીઆઇડી ટીમ રવિવારે બાબુભાઈ સરવૈયાનાં ઘરે આવી પહોંચી અને બંધબારણે બાબુભાઇનાં નિવેદનો લીધા હતાં.

શહીદ પોલીસ જવાનને વિદાય

શહેરમાં ૧૯મી જુલાઈએ નીકળેલી દલિતોની રેલી હિંસક બનતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો, તેમાં અમરેલી એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલિયાને ગંબીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે નીકળેલી પંકજભાઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય અપાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અંતિમયાત્રા નીકળી હતી.

૧૦૦૦ બસના પૈડાં થંભ્યા

ઉનાના દલિત અત્યાચાર-વિરોધી આંદોલના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ગુજરાતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. આંદોલનના પગલે ઠેર ઠેર ટોળાઓ દ્વારા એસટીની બસોને ટાર્ગેટ બનાવાઇ હતી. જેમાં પાંચ જ દિવસમાં બંધ રખાયેલા એસ.ટી. રૂટથી માંડીને ૬ બસને સળગાવી દેવાની અને ૫૫ બસોમાં તોડફોડની ઘટનાથી એસટીને અંદાજે રૂ. ૨.૮૦ કરોડનું નુકસાન થયાના
અહેવાલ છે.

દલિત સાહિત્યકાર દ્વારા એવોર્ડવાપસી

દલિત સાહિત્યકાર અમૃત મકવાણાએ ઉનાની ઘટનાથી વ્યથિત થઇને ભાજપ સરકારે આપેલા દાસી જીવણ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.  બુધવારે તેઓ અમદાવાદ કલેક્ટરને મળીને દલિત સાહિત્યકાર એવોર્ડ, પ્રશસ્તિપત્ર અને રૂ. ૨૫ હજારની રકમ પરત કરશે. અન્ય દલિત સાહિત્યકારો પણ એવોર્ડ પરત કરે તેવી શક્યતા છે. ઉનાકાંડના દસ દિવસ બાદ પણ દલિતોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે તેનો આ પુરાવો છે. સુરેન્દ્રનગરના વઢવાણના દલિત સાહિત્યકાર અમૃત મકવાણાને વર્ષ ૨૦૧૨-૧૩માં ખારાપટનું દલિત લોક સાહિત્ય પુસ્તક માટે દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ અપાયો હતો.

સમઢિયાળાની ઘટના ફિલ્મી પરદે

ઉનાની ઘટનાના પગલે રાષ્ટ્રીય સંગઠનનના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે આવી રહ્યાં છે. રાજકોટ આવેલા ડો. બાબાસાહેબ આંબેડકરના પાલક પૌત્ર રોક્સને પણ પીડિતોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે રોક્સને અગાઉ એસસી અને એસટી સમાજને સ્પર્શતી ‘એક ઉડાન’ ફિલ્મ બનાવી હતી. હવે તેમણે સમઢિયાળાની ઘટનાને પણ ફિલ્મરૂપે રજૂ કરવા વિગત મેળવી હોવાનું જાણવા મળે છે. અગાઉ લંડનમાં વસવાટ કરતા, પણ હાલ મુંબઈમાં સ્થાયી થઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રોક્સને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus